- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી : ભારતમાં ઈન્ટરનેટના વપરાશકારો વધીને 74.9 કરોડ થયા છે. ચાર વર્ષ પહેલા 2016માં ભારતમાં આ વપરાશકારો 35 કરોડ જેટલા હતા. એટલે ચાર વર્ષમાં ભારતમાં ઈન્ટરનેટ યુઝર્સ ડબલ થયા છે.
ભારતમાં ઈન્ટરનેટનું આગમન 25 વર્ષ પહેલા 1995ના ઓગસ્ટમાં થયું હતું. હવે ભારત જગતમાં સૌથી વધુ ઝડપે વિકસતું ઈન્ટરનેટ નેટવર્ક ધરાવતો દેશ બની ગયો છે. આ ભારતના કુલ વપરાશકારો છે, પણ તેમાં મોટા ભાગના વાયરલેસ (ડોંગલ અથવા સ્માર્ટફોન) કનેક્શન ધરાવતા યુઝર્સ છે.
ભારત ઈન્ટરનેટ ઉપરાંત સ્માર્ટફોન માર્કેટમાં પણ આગેકૂચ કરી રહ્યો છે. મેકકિન્સલેે ગ્લોબલના આંકડા પ્રમાણે ભારતમાં દરેક નેટ યુઝર મહિને સરેરાશ 8.3 જીબી ડેટા વાપરે છે. જ્યારે ચીનમાં આ પ્રમાણ 5.5 જીબીનું છે. ભારતની 1.2 અબજથી વધુની વસ્તીએ 2018માં કુલ મળીને 12 અબજ મોબાઈલ એપ્લિકેશન (એપ) ડાઉનલોડ કરી હતી.
ચીન પછી સૌથી વધુ સ્માર્ટફોન વાપરનારો દેશ ભારત છે. જોકે ભારતમાં આગામી 2 વર્ષમાં વધુ 35 કરોડ સ્માર્ટફોન ખરીદાવાની શક્યતા છે. ભારતમાં અત્યારે 40 કરોડથી વધારે સ્માર્ટફોન વપરાશકારો છે. ભારતમાં વધુ ઈન્ટરનેટ સબસ્ક્રાઈબર્સ છે, તેનો અર્થ એવો નથી, કે એટલા લોકો ઈન્ટરનેટ વાપરે છે. કેટલાક કિસ્સામાં એક જ વ્યક્તિ પાસે એકથી વધારે કનેક્શન પણ હોય છે.
2017માં ભારતના 100માંથી 20 વ્યક્તિઓ પાસે ઈન્ટરનેટ સબસ્ક્રિપ્શન હતું. 2019માં એ પ્રમાણ ખાસ્સું વધીને 54 કનેક્શન સુધી પહોંચી ગયું છે. રિપોર્ટ પ્રમાણે આખા જગતમાં ભારત સૌથી મોટું ઈન્ટરનેટ-ડેટા માર્કેટ છે, કેમ કે ભારતમાં હજુ કરોડો લોકો પાસે નેટ કનેક્શન નથી.