- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી: કોરોના મહામારીએ આખી દુનિયાને હલાવી દીધી છે.કોરોના વાયરસ બહુ જલ્દી વિદાય લે તેમ પણ લાગતુ નથી ત્યારે દુનિયાભરની દવા કંપનીઓ આ વાયરસને નાથવા માટેની વેક્સિન તૈયાર કરવામાં પડી છે. જોકે આ મથામણ વચ્ચે સાઈબર પીસ ફાઉન્ડેશન નામની સંસ્થાએ એક ચોંકાવનારો અહેવાલ પ્રસિધ્ધ કરીને દાવો કર્યો છે કે, કોરોનાની રસી બનાવી રહેલી ભારત સહિતની દુનિયાભરની દવા કંપનીઓ પર 80 લાખ સાયબર એટેક થયા છે. આ પૈકી 54 લાખ એટેક ઓક્ટોબરમાં અને 16 લાખ એટેક નવેમ્બરમાં થયા છે.
આ રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે એટેક એવી સિસ્ટમ પર થયા છે જ્યાં ઈન્ટરનેટ સિસ્ટમને નિયંત્રિત કરવામાં આવી રહી નહોતી અને જ્યાં જુના વિન્ડોઝ સર્વર પ્લેટફોર્મ હતા.હેકર્સે આ એટેક કરવાની શરુઆત એપ્રિલ મહિનાથી જ કરી દીધી હતી.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ માઈક્રોસોફટે કોવિડની રસી બનાવનાર ભારત સહિતના દેશોની સાત પ્રમુખ દવા કંપનીઓને ટાર્ગેટ કરનાર એટેકની ભાળ મેળવી હતી.
આ એટેક ભારત, કેનેડા, ફ્રાંસ, અમેરિકા, દક્ષિણ કોરિયાની જાણીતી દવા કંપનીઓ પર થયો હતો.હુમલો રશિયા અને ઉત્તર કોરિયામાંથી કરવામાં આવ્યો હતો.જોકે માઈક્રોસોફટે આ દવા કંપનીઓના નામનો ખુલાસો કર્યો નથી.જે કંપનીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો તેમાંથી મોટાભાગની કંપનીઓની વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે. કોરોનાની વાત કરવામાં આવે તો ભારત સહિત 180 દેશોમાં આ વાયરસનો કહેર યથાવત છે.સંક્રમિતોની સંખ્યા આખી દુનિયામાં 6.22 કરોડને પાર કરી ચુકી છે.