- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

સર્બિયાના યોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટ પર તેનું પ્રભુત્વ જાળવી રાખતા ફાઇનલમાં રશિયાના મેડવેડેવને સાવ એકતરફી પૂરવાર થયેલા આસાન મુકાબલા બાદ 7-5, 6-2, 6-2થી પરાજય આપ્યો હતો. આ સાથે યોકોવિચે તેનો પોતાનો જ રેકોર્ડ આગળ ધપાવતા નવમી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીત્યું હતું.
આ સતત ત્રીજા વર્ષે તેણે ઓસ્ટ્રેલિયન ઓપન જીતીને હેટ્રિક નોંધાવી હતી. આ જ રીતે તેણે 2011, 2012, 2013 એમ સળંગ ત્રણ વર્ષ ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ મેળવ્યું હતું. તેની કારકિર્દીમાં આ સાથે તેણે 18 ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ જીતી છે અને હવે તે ફેડરર અને નડાલના 20 ટાઇટલના રેકોર્ડથી બે ચેમ્પિયનશીપ જ દૂર છે.
30 વર્ષની વય પછી છઠ્ઠી વખત ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ જીતનાર તે નડાલ પછીનો બીજો ખેલાડી બન્યો છે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં યોકોવિચને થિયેમે પાંચ સેટની જોરદાર લડત આપી હતી પણ આજની ફાઇનલ ટેનિસના ચાહકો જ નહીં વર્તમાન, ભૂતકાળના ખેલાડીઓના મતે ધાર્યા કરતા સાવ સામાન્ય રહી હતી. એક પણ પળ એવી નહતી જણાતી કે મેડવેડેવ વળતી લડત આપશે.
તેની કોર્ટ પરની બોડી લેંગ્વેજ પણ યોકોવિચની જોરદાર રમત જોઇને આજે તેનો દિવસ નથી તેમ મનોમન હાર સ્વીકારી લીધી હોય તેવી શુષ્ક જણાતી હતી. જો કે મેડવેડેવની નબળી રમત હતી તેમ જણાવી યોકોવિચની સિધ્ધીની મહત્તા ઓછી ન આંકવી જોઇએ. યોકોવિચની રમત જ પ્રભુત્ત્વભરી હતી અને પહેલેથી જ બંને ખેલાડીઓના ક્લાસનો ભેદ જોઇ શકાતો હતો.
મેડવેડેવ સતત 20 મેચની વિજયકૂચ સાથે ઉતર્યો હતો તેથી તેનો પ્રભાવ અને ફોર્મ નજરઅંદાજ કરી શકાય તેમ ન હતું. યોકોવિચે નેટ અને વોલીની ઉત્કૃષ્ટ રમત બતાવી સાત વખત મેડવેડેવની સર્વિસ બ્રેક કરી હતી. પ્રથમ સેટમાં યોકોવિચે 3-0ની સરસાઇ મેળવી હતી જે મેડવેડેવે 3-3થી બરાબર કરી દીધી હતી. બીજા સેટમાં યોકોવિચે 5-2થી અને ત્રીજા સેટમાં 3-0ની સરસાઇ મેળવીને મેડવેડેવને તે પછીના કમબેકના તમામ પ્રયત્ન નિષ્ફળ બનાવ્યા હતા.
યોકોવિચેના ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ
- 2008 જીત્યો વિ. સોંગા
- 2011 જીત્યો વિ. મરે
- 2012 જીત્યો વિ. નડાલ
- 2013 જીત્યો વિ. મરે
- 2015 જીત્યો વિ. મરે
- 2016 જીત્યો વિ. મરે
- 2019 જીત્યો વિ. નડાલ
- 2020 જીત્યો વિ. થિયેમ
- 2021 જીત્યો વિ. મેડવેડેવ