- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

નવી દિલ્હી: ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (આઇઓએ) અને કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન (સીડબલ્યુજેએફ)ના ડેલિગેશન વચ્ચે આવતીકાલે મિટિંગનું આયોજન થશે, જેમાં વર્ષ ૨૦૨૨ની બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાંથી શૂટિંગને પડતું મુકવાનો મુદ્દો ટોપ એજન્ડામાં રહેશે. જોકે ગેમ્સ ફેડરેશનના અધિકારીએ સ્પષ્ટ કરી દીધું છે કે, બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં હવે શૂટિંગની રમતને સમાવાય તેની શક્યતા જ સમાપ્ત થઈ ચૂકી છે.
આઇઓએના વડા નરેન્દ્ર બત્રા, સેક્રેટરી રાજીવ મહેતા અને રમત મંત્રી કિરણ રિજિજુ કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રમુખ લોરિસ માર્ટિન અને સીઇઓ ડેવિડ ગ્રેવેમ્બર્ગને મળશે અને ૨૦૨૨ની ગેમ્સમાંથી શૂટિંગને પડતા મૂકવા સામે વિરોધ નોંધાવશે. સ્થાનિક આયોજન સમિતિએ જાહેરાત કરી હતી કે, શૂટિંગની રમતનું સ્થળ ગેમ્સના મુખ્ય આયોજન સેન્ટરથી ખુબ જ દૂર આવેલું હોવાથી અમે આ રમતને પડતી મૂકી છે. કોમનવેલ્થ ગેમ્સ શૂટિંગમાં ભારતનો દબદબો રહેતો હોય છે અને ગેમ્સમાંથી આ રમત પડતી મૂકાતા ભારતને ફટકો પડી શકે છે. જોકે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનની સમિતિએ ૨૦૨૨ની બર્મિંગહામ ગેમ્સમાંથી શૂટિંગને પડતું મુકવાનો નિર્ણય લઈ લીધો છે અને હવે તેમાં ફેરફાર થાય તેની શક્યતા નહીવત્ છે.
શૂટિંગને પડતા મૂકવાના વિરોધમાં ભારતે બર્મિગહામ કોમનવેલ્થ ગેમ્સનો બહિષ્કાર કરવાનો મિજાજ દર્શાવ્યો હતો. જોકે અન્ય રમતોના ખેલાડીઓએ તેની સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. આઇઓએના પ્રમુખ નરેન્દ્ર બત્રાએ તો કોમેન્ટ કરી હતી કે, ભારતે કોમનવેલ્થ ગેમ્સમાંથી કાયમી ધોરણે ખસી જવું જોઈએ. તેની સામે પણ વિરોધ થયો હતો.