- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : જેને એક વાર કોરોના થઇ ચુકયો છે એ એવું ના સમજે કે તેમને બીજી વાર થશે નહી. ભારતના મેડિકલ ક્ષેત્રની અગ્રણી ગણાતી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચેના સ્ટડી અનુસાર ભારતમાં ૪.૫ ટકા લોકોને કોરોનાનું ફરી સંક્રમણ થયું હોવાનું બન્યું છે. ભારતમાં કોરોના સંક્રમણની બીજી લહેર એટલે કે બીજો તબક્કો શરુ થયો છે. આ લહેર પ્રથમ લહેર કરતા વધારે ઝડપી અને ઘાતક છે. ભારતમાં કોરોના મહામારીની શરુઆત થઇ એ પછી ગત રવીવારે પ્રથમ વાર એક દિવસમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧ લાખને પાર કરી ગઇ હતી. એક વાર કોરોના થયો હોય પછી પણ થાય તેને રીઇન્ફેકશન કહેવામાં આવે છે.
આઇસીએમઆરના જણાવ્યા મુજબ પોઝિટિવ વ્યકિત નેગેટિવ થયા પછીના ૧૦૨ દિવસ સુધી નેગેટિવમાંથી પોઝિટિવ થાય તેને કોરોનાનું રિઇન્ફેકશન કહેવામાં આવે છે. વૈજ્ઞાાનિકોની ટીમે ૧૩૦૦ લોકોનો કેસ સ્ટડી કર્યો જેમાં ૫૮ કેસ ફરી કોરોનાના ધ્યાનમાં આવ્યા હતા. જો કે આ સ્ટડીમાં ઓકટોબર ૨૦૨૦ સુધીના ડેટાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સ્ટડીમાં જણાવાયું છે કે સાર્સ કોવિડ-૨ રીઇન્ફેકશનની પ્રક્રિયા તકેદારીના પગલા વધારવા માટે ખૂબ જરુરી છે. આ સ્ટડી એપિડેમિયોલોજી એન્ડ ઇન્ફેકશન જર્નલમાં પ્રકાશિત થવા માટે સ્વીકારી લેવામાં આવી છે.
કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે કોરોના થયા પછી શરીરમાં એન્ટીબોડી વિકસિત થાય છે પરંતુ આ એન્ટીબોડી કેટલા સમય સુધી શરીરમાં સક્રિય રહે છે એ સ્પષ્ટ જાણવા મળતું નથી. કોરોના નેગેટિવ થયા પછી પણ વાયરસનું થોડું ગણું પ્રમાણ શરીરમાં રહી જાય છે જેને પરિસ્ટેંટ વાયરસ શેડિંગ કહેવામાં આવે છે. આ વાયરસનું પ્રમાણ ખૂબજ નજીવું હોય છે તેમા તાવ આવવો કે બીજા કોઇ જ લક્ષણો જોવા મળતા નથી.
આવી વ્યકિત બીજાને સંક્રમિત કરી શકતી નથી પરંતુ તપાસ કરાવે ત્યારે પોઝિટિવ આવે એવું પણ બની શકે છે. આવા સંજોગોમાં જીનોમ એનાલિસિસ પછી જ રીઇન્ફેકશન થયું છે કે નહી તે જાણી શકાય છે. વિશ્વમાં ગત ઓગસ્ટ માસમાં રિ ઇન્ફેકશનના સૌથી પહેલો કેસ હોંગકોંગમાં ધ્યાનમાં આવ્યો હતો. ૩૩ વર્ષનો વ્યકિત માર્ચ ૨૦૨૦માં કોરોના સંક્રમિત થયો હતો. ઓગસ્ટ મહિનામાં તે સ્પેનથી પાછો ફર્યો ત્યારે ફરી કોરોનાનો ભોગ બન્યો હતો.એ સમયે તેનું જીનોમ એનાલિસિસ થયું જેમાં રીઇન્ફેકશન સાબીત થયું હતું.
ત્યાર પછી તો અમેરિકા,બેલ્ઝિયમ અને ચીનમાં પણ કોરોના રીઇન્ફેકશનના ઘણા કેસ બન્યા હતા.ઓગસ્ટ ૨૦૨૦માં ભારતમાં આઇસીએમઆર દ્વારા કોરોના વાયરસના સંક્રમણના ૩ કેસની પુષ્ટિ કરી હતી. રિઇન્ફેકશનની પાછળનું સૌથી મોટું કારણ કોરોના વાયરસમાં આવતું મ્યૂટેશન છે.આ મ્યૂટેશનના લીધે વાયરસના નવા સ્ટ્રેન તૈયાર થતા હોય છે. આથી જો એક વાર વ્યકિત પોઝિટિવમાંથી નેગેટિવ થઇ હોય તો પણ નવા સ્ટ્રેનમાં ફરી ઇન્ફેકટ થઇ શકે છે તે વાતનો ઇન્કાર કરી શકાય નહી.