- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : દેશભરમાં હવે લેન્ડલાઈન પરથી મોબાઈલ પર કોલ કરવા માટે એક મોટો ફેરફાર થયો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીના નિર્ણય મુજબ હવે લેન્ડલાઈન પરથી મોબાઈલ પર કોલ કરવા માટે મોબાઈલ નંબરની આગળ '૦' (શૂન્ય) લગાવવું પડશે. આમ, લેન્ડલાઈનથી મોબાઈલ પર ફોન કરવા માટે ૧૧ આંકડા ડાયલ કરવા પડશે.
ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીએ તેના માટે અગાઉ ભલામણ કરી હતી, જેનો ટેલિકોમ વિભાગે હવે સ્વીકાર કર્યો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીના આ નિર્ણયથી ટેલિકોમ કંપનીઓને વધુ નંબર બનાવવાની સુવિધા મળશે. ગ્રાહકોને સમસ્યા ન થાય તે માટે કંપનીઓને એક દિવસ પહેલાં જ આ નિર્ણયના અમલની જાણ કરી દેવાઈ હતી. ટેલિકોમ કંપનીઓએ ગ્રાહકોને ગુરુવારે યાદ અપાવ્યું હતું કે તેમણે શુક્રવારે ૧૫મી જાન્યુઆરીથી લેન્ડલાઈન પરથી મોબાઈલ પર કોલ કરતી વખતે પહેલાં શૂન્ય ડાયલ કરવું પડશે.
ટેલિકોમ વિભાગે આ માટે તાજેતરમાં જ નિર્દેશ આપ્યા હતા. ટેલિકોમ કંપનીઓએ તેમના ફિક્સલાઈનના ગ્રાહકોને જણાવ્યું હતું કે, '૧૫મી જાન્યુઆરી ૨૦૨૧થી અમલમાં આવી રહેલા ટેલિકોમ વિભાગના નિર્દેશો હેઠળ તમારે તમારા લેન્ડલાઈન પરથી કોઈ મોબાઈલ પર કોલ કરતી વખતે પહેલાં શૂન્ય ડાયલ કરવાનો રહેશે.'
ટેલિકોમ વિભાગે નવેમ્બરમાં કહ્યું હતું કે, ગ્રાહકોએ ૧૫ જાન્યુઆરીથી લેન્ડલાઈનથી મોબાઈલ પર કોલ કરતી વખતે પહેલાં શૂન્ય ડાયલ કરવાનો રહેશે. મંત્રાલયનું કહેવું છે કે આ પગલાંથી ભવિષ્ય માટે અનેક નવા નંબરોની સંભાવના વધી જશે. તેનાથી અંદાજે ૨૫૩.૯ કરોડ નવા નંબરો બની શકશે. સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલના ચેરમેન અને એમડી પી.કે. પુરવરને જણાવ્યું હતું ગ્રાહકોને આ ફેરફારની જાણ કરી દેવાઈ છે. ટેલિકોમ વિભાગના આ નિર્ણયને પગલે લેન્ડલાઈન પરથી મોબાઈલ નંબર ડાયલ કરવા માટે મોબાઈલનો નંબર હવે ૧૦ના બદલે ૧૧ આંકડાનો થઈ ગયો છે.