- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇ : નાણાકીય વર્ષ 2026-27 સુધી દેશનું સેકન્ડ હેન્ડ એટલેકે યુઝ્ડ કાર માર્કેટ 19.5 ટકાના ચક્રવૃદ્ધિદર સાથે આગળ વધવાની ધારણા છે. સોમવારે જારી કરાયેલા રિપોર્ટ અનુસાર દેશમાં યુઝ્ડ કારનું માર્કેટ હાલમાં 23 અબજ ડોલરનું છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશના નાના શહેરોમાં સેકન્ડ હેન્ડ કારની માંગ 2026 સુધીમાં વાર્ષિક 30 ટકાના દરે વધવાની અપેક્ષા છે, જ્યારે દેશના મુખ્ય 40 શહેરોમાં જુની કારની માંગ વાર્ષિક 10 ટકા વધવાનો અંદાજ છે.
ઇન્ડિયન બ્લુબુક અને દાસ વેલ્ટઓટોના સહયોગથી તૈયાર કરવામાં આવેલ નાણાંકીય વર્ષ 2021-22 માટે સેકન્ડ હેન્ડ કાર અને બાઇક ઇન્ડસ્ટ્રી રિપોર્ટની 5મી આવૃત્તિ અનુસાર આ સેક્ટરમાં અનેક કારણોસર વૃદ્ધિ થવાની સંભાવના છે, જેમકે ઓથોરાઇઝડ કારની ઉપલબ્ધતા, કાર અને ટુ વ્હીલરની માલિકીના સરેરાશ સમયગાળામાં ઘટાડો, ઓછા સમયગાળામાં નવા મોડલ લોન્ચ કરવા વગેરેનો સમાવેશ થાય છે.
રિપોર્ટ અનુસાર ગત નાણાંકીય વર્ષ દરમિયાન દેશમાં 35 લાખથી વધુ સેકન્ડ હેન્ડ કારનું ખરીદ-વેચાણ થયું હતુ. આ આંકડો નાણાકીય વર્ષ 2020-21ના ઐતિહાસિક રેકોર્ડ આંકડા કરતા વધારે છે. તે જ સમયે સમાન સમયગાળા દરમિયાન વૈશ્વિક સ્તરે 4 કરોડથી વધુ સેકન્ડ હેન્ડ કારનું વેચાણ થયું છે.
નાણાકીય વર્ષ 2026-27 સુધીમાં દેશમાં સેકન્ડ હેન્ડ કારનું વેચાણ 80 લાખ યુનિટ સુધી પહોંચી શકે છે. નાણાકીય વર્ષ 2026-27 સુધી વાર્ષિક 19.5 ટકાના દરે વૃદ્ધિ થવાનો અંદાજ છે. આ સમયગાળા દરમિયાન જૂની કાર અને નવી કારનો ગુણોત્તર 1.9 સુધી પહોંચવાનો અંદાજ છે, તેમ અહેવાલમાં ઉમેરાયું હતુ.