- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
ગાંધીનગર: ભારત અને ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને છે ત્યારે પેટ્રોલ બાઇકને ઇલેક્ટ્રિક બનાવીને માત્ર 25 પૈસામાં એક કિલોમીટરના ખર્ચે ચલાવી શકાય તેવું સંશોધન કરવામાં આવ્યું છે. આ બાઇકને ચલાવવા માટે બેટરી ચાર્જ માટે માત્ર બે યુનિટ વીજળીનો ખર્ચ થાય છે.
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ (જીએસએમએસ)ના ઈનોવેશન એન્ટરપ્રિન્યોરશિપમાં અભ્યાસ કરતાં અર્પિત ચૌહાણ અને કાર્તિક આત્રેયા નામના વિદ્યાર્થીઓએ પેટ્રોલ બાઈકમાં કન્વર્ઝન કિટનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રીક બાઈકમાં રૂપાંતરીત કર્યું છે.
એર્કી મોટર્સના સ્ટાર્ટઅપ કર્તા અર્પિત ચૌહાણ અને કાર્તિક આત્રેયાએ જણાવ્યું હતું કે, જનસામન્યની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને અમે પેટ્રોલ બાઈકમાં કન્વર્ઝન કિટનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રીક બાઈકમાં રૂપાંતરીત કર્યું છે. છેલ્લા 6 વર્ષથી અમારા દ્વારા રીસર્ચ કરવામાં આવી રહ્યું હતું, જે આટલાં વર્ષો બાદ સફળ થયું છે.
તેમણે કહ્યું કે દરેક વ્યક્તિને આર્થિક રીતે પરવડી શકે અને પ્રદૂષણ રહીત આ ઈલેક્ટ્રીક બાઈકનું રૂપાંતરણ કોઈ પણ પેટ્રોલ બાઈકમાંથી ત્રણ કે ચાર દિવસના સમયમાં 15 થી 20 હજારના ખર્ચમાં કરાવી શકાય છે. જેમાં ચાર લેટએસિડ અને લિથિયમની બે એમ કુલ મળીને છ બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
90 મીનીટના સમયગાળામાં ફૂલ ચાર્જીંગ કરેલી બેટરીથી 0.25 પૈસાના ખર્ચે એક કિલોમીટરની એવરેઝથી 80 કિમી સુધીની મુસાફરી કરી શકાય છે. જેનો ખર્ચ માત્ર બે યુનિટ લાઈટ બિલના 12 થી 20 રૂપિયા જેટલો થાય છે. આ બેટરી 2000 વખત ચાર્જીંગ કરી શકાય છે.
તેઓએ કહ્યું હતું કે, પેટ્રોલથી સંચાલિત બાઈકમાં પ્રતિ કિમી 500 ગ્રામ કાર્બન ડાયોક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઈડનું ઉત્સર્જન થતું હોય છે. જ્યારે 10 થી 12 ડેસીબલની માત્રામાં ધ્વની પ્રદૂષણ ફેલાય છે. જ્યારે ઈલેક્ટ્રીક કન્વર્ઝન બાઈકમાં હવાનું પ્રદૂષણ થતું નથી , માત્ર 3 થી 6 ડેસીબલની માત્રામાં જ અવાજ થતો હોવાથી 70% થી પણ ઓછી માત્રામાં ધ્વની પ્રદૂષણ થતું જોવા મળે છે.
કેટલાક ઉપકરણોનો વપરાશ ના હોવાને કારણે બાઈકમાંથી તેને દૂર કરવામાં આવે છે. પરતું બાઈકનું બેલેન્સ પણ જળવાઈ રહે તે હેતુસર, તેનું વજન અન્ય બાઈકની સમકક્ષ જ 100 થી 150 કિલોગ્રામ રાખવામાં આવે છે.
ગેરલેસ ઈલેક્ટ્રીક બાઈક 60 થી 120 કિલોમીટરની ઝડપ ધરાવે છે. આગામી સમયમાં ટ્રેક્ટર, રીક્ષા, ઈલેક્ટ્રીક સાઈકલ અને કાર પણ વિકસાવવા માટેના રીસર્ચ ચાલુ છે. હાલની તારીખમાં દરેક ઓટોમોબાઈલ્સ કંપનીની તમામ પ્રકારની બાઈકની કન્વર્ઝન ડિઝાઈન તૈયાર કરવામાં આવેલી છે.