- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી: ગત વર્ષે એટલે કે 2020માં ડોમેસ્ટીક ફ્લાઇટમાં મુસાફરોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા શુક્રવારે જારી કરવામાં આવેલા આંકડા મુજબ, 2020માં ડોમેસ્ટીક ફ્લાઇટ્સ પર મુસાફરોની સંખ્યા 2019ની તુલનામાં 56.29 ટકા ઘટીને 6.3 કરોડ મુસાફરોની રહી છે.
નિયમનકારે જણાવ્યું હતું કે ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર પર કોરોના વાયરસ રોગચાળાની અસર હજુ પણ ચાલુ છે. ડિસેમ્બરમાં માત્ર 73.27 લાખ મુસાફરોએ ડોમેસ્ટીક ફ્લાઇટ્સ દ્વારા મુસાફરી કરી હતી, જે ડિસેમ્બર 2019ની સરખામણીએ 43.72 ટકા ઓછી છે. ગયા વર્ષે 3.25 કરોડ લોકોએ ઈન્ડિગો ફ્લાઇટ્સ દ્વારા મુસાફરી કરી હતી. સ્થાનિક ઉડ્ડયન બજારમાં ઈન્ડિગોનો માર્કેટ હિસ્સો 51.7 ટકા રહ્યો હતો. સ્પાઇસ જેટના 93.9 લાખ મુસાફરો અને 14.9 ટકા માર્કેટ શેર છે.
મળતી માહિતી મુજબ, ગયા વર્ષે એર ઇન્ડિયાએ 69.32 લાખ મુસાફરો, ગો એરએ 54.38 લાખ, એરએશિયા ઇન્ડિયાએ 43.87 લાખ અને વિસ્તારાએ 39.39 લાખ મુસાફરોને તેમના સ્થળે પહોંચાડ્યા હતા. ડિસેમ્બર 2020માં છ મોટી એરલાઇન્સની ટિકિટ બુકિંગ અથવા લોડ ફેક્ટર 65.1 થી 78 ટકા હતું. ડીજીસીએએ જણાવ્યું હતું કે અગાઉના મહિનાની તુલનામાં ડિસેમ્બરમાં પેસેન્જર ટિકિટ બુકિંગમાં ઘટાડો થયો હતો. આનું કારણ પર્યટનની સીઝન ખતમ થઈ ગઈ છે. સ્પાઇસ જેટ બુકિંગ સૌથી વધુ 78 ટકા હતું.
કોરોના વાયરસના કારણે બે મહિનાના અંતરાલ બાદ 25 મેના રોજ ભારતમાં ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ થઈ હતી. એરલાઇન્સને પૂર્વ-કોવિડ -19 સ્તરે તેમની ટિકિટનો મહત્તમ 80 ટકા બુક કરવાની મંજૂરી છે. ડીજીસીએના આંકડામાં જણાવાયું છે કે, ડિસેમ્બરમાં ચાર મહાનગરોના એરપોર્ટો-બેંગાલુરૂ, દિલ્હી, હૈદરાબાદ અને મુંબઈમાં ઈન્ડિગોની ઓન-ટાઇમ ફ્લાઇટ (ઓટીપી) નું પ્રદર્શન સારૂ એટલે કે 94.9 ટકા રહ્યું.
ઈન્ડિગોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) રોનોજોય દત્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, સમયસર ફ્લાઇટ એ ગ્રાહક સેવાનું સૌથી મહત્વનું પાસું છે. કર્મચારીઓના સહકાર વિના આ કરવું શક્ય નથી. આ બતાવે છે કે અમારા કર્મચારીઓની સંસ્કૃતિ કેટલી મજબૂત છે. આ કિસ્સામાં, એરએશિયા ભારત 89.9 ટકા સાથે બીજા અને વિસ્તારા 88.4 ટકા સાથે ત્રીજા સ્થાને છે.