- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
મુંબઇ: સેન્ટ્રલ મોટર વેહિકલ એમેન્ડમેન્ટ એકટ, ૨૦૧૯ અનુસાર સરકાર ટુંક સમયમાં વિવિધ ટ્રાફિક ગુનાઓ માટે દંડની રકમમાં ભારે વધારો કરશે તેમ પરિવહન પ્રધાન અનિલ બરબે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે નિયમ કરતાં વધારે ઝડપથી ચલાવાતાં વાહનોને ઝડપી લેવા માટે સરકાર સ્પિડ ગન ધરાવતાં ૭૫ ઇન્ટરસેપ્ટર વાહનો પણ મેળવશે. જે આરટીઓ અથવા ફ્લાઇંગ સ્કવોડ દ્વારા વાપરવામાં આવશે. પરબે ઉમેર્યું હતું કે અમે રાજ્યમાં ટેક્સી અને ઓટોરિક્ષા માટે નવી પરમીટો આપવાનું બંધ કરવા પણ વિચાર્યું છે. મુંબઇ રિજનમાં ઓટો-ટેક્સીના ભાડાં વધારવા બાબતે પણ ટુંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. સૂચિત દંડ વધારા બાબતે પ્રધાને જણાવ્યું હતું કે અમે કેન્દ્ર સરકાર સાથે આ બાબતે ચર્ચાઓ કરી લીધી છે અને ટુંક સમયમાં હું દિલ્હી જઇને સામાન્ય માણસને જેના કારણે તકલીફ પડે તેમ છે તેવા દંડ બાબતે ચર્ચા કરીશું.
વાહનચાલકોએ હવે વિવિધ ટ્રાફિકના ગુનાસર એક હજારથી માંડી દસ હજાર રૂપિયા સુધીનો દંડ ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. લાઇસન્સ વગર વાહન હાંકવા કે દારૂ પીને વાહન હાંકવા જેવા ગુનામાં તો જેલની પણ સજા થઇ શકશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીટ બેલ્ટ અથવા હલ્મેટ ન પહેરનારને એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. હાલ આ દંડની રકમ ઘટાડવા માટે ચર્ચા ચાલી રહી હોવાનું મનાય છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, પરિવહન પ્રધાન દિલ્હીથી પરત આવે તે પછી નવા દંડનો અમલ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે. પરબે ભારપૂર્વક જણાવ્યું હતું કે પૂરઝડપે વાહન હાંકવા અને દારૂ પીને વાહન ચલાવવાના ગુના માટે વધારવામાં આવેલી દંડની રકમ વાજબી છે. રાજ્ય સરકારે એક વર્ષ કરતાં વધારે સમયથી સેન્ટ્રલ મોટર વેહિકલ એમેન્ડમેન્ટ એકટનો અમલ મહારાષ્ટ્રમાં કર્યો નથી.
સુધારવામાં આવેલા કાયદા અનુસાર હવે દારૂ પીને વાહન હાંકનારને છ મહિનાની કેદની સજા કે ૧૦,૦૦૦ રૂપિયા સુધીનો દંડ કરી શકાશે. વારંવાર આ ગુનો કરનારને બે વર્ષની કેદની સજા અને પંદર હજાર રુપિયા સુધીનો દંડ કરવાની જોગવાઇ નવા કાયદામાં કરાઇ છે.
જો વાહન ચાલક સગીરવયનો હોય અને આવા ગુના કરતાં ઝડપાશે તો વાહન જેના નામે હશે તેણે અથવા ગાર્ડિયનને કસુરવાર ગણવામાં આવશે અને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ અને ત્રણ વર્ષ સુધીની કેદની સા કરવામાં આવશે. વાહનના નોંધણી નંબરને રદ કરવામાં આવશે અને સગીરવયના ગુનેગાર સામે જુવેનાઇલ જસ્ટિસ એકટ હેઠળ કામ ચલાવવામાં આવશે. પૂરઝડપે વાહન હાંકનારા હળવા વાહનોના ચાલકને ૨૦૦૦ રૂપિયા અને માલવાહક વાહનના ચાલકને બેથી ચાર હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. જે આ ગુનો ફરી કરવામાં આવશે તો લાઇસન્સ પણ જપ્ત કરવામાં આવશે. જે લોકો લાઇસન્સ વિના વાહન હાંકતા જણાશે તેમને છ મહિનાની જેલ અને દસ હજાર રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે. પરબે જણાવ્યું હતું કે સકાર ગ્રામીણ વિસ્તારોમાં ૫૦ વાહનચાલક ટ્રેનિંગ ઇન્સ્ટિટયુટસ પણ સ્થાપશે. કમર્શિયલ ડ્રાઇવરો માટે મેડિકલ ટેસ્ટ પણ ફરજિયાત કરવામાં આવશે. અમે રાજ્યમાં કમ્પ્યુટરાઇઝડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકસ્ અને કોમર્શીયલ વાહનો માટે ઓટોમેટેડ ફિટનેસ ટેસ્ટ સેન્ટરો પણ સ્થાપી રહ્યા છીએ.
કયા ગુના માટે કેટલો દંડ વધશે?
ગુનાનો પ્રકાર |
વર્તમાન દંડની રકમ |
વધારા બાદ દંડની રકમ
|
લાઇસન્સ વિના વાહન ચલાવવું |
૨૦૦૦ રૂપિયા |
૧૦,૦૦૦ રૂપિયા |
જોખમી રીતે વાહન હાંકવુ |
૧૦૦૦ રૂપિયા |
૫,૦૦૦ રૂપિયા |
દારૂ પીને વાહન હાંકવું |
૫૦૦ રૂપિયા |
૫૦૦૦ રૂપિયા |
રેસિંગ |
૨૦૦૦ રૂપિયા |
૫૦૦૦ રૂપિયા |
હેલમેટ-સીટ બેલ્ટ ન પહેરવા |
૨૦૦ રૂપિયા |
૧૦૦૦ રૂપિયા |
બાઇક પર બેથી વધારે સવારી |
૨૦૦ રૂપિયા |
૨૦૦૦ રૂપિયા |
જો આ ગુના પોલીસ અધિકારી કે અન્ય અમલબજવણી કરતી એજન્સીના અધિકારીઓ કરતાં પકડાય તો તેમણે સામાન્ય માણસ કરતાં બમણો દંડ ભરવો પડશે.