- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇ : પેટ્રોલ-ડીઝલના ઉંચા ભાવની સાથે સાથે મોંઘવારી અને મંદીની ચિંતાને પગલે લોકો નવા વાહનો ખરીદવાનું ટાળી રહ્યા છે અને તેની સીધી અસર નવા વાહનોના વેચાણ- રજિસ્ટ્રેશન પર પણ થઇ રહી છે. જુલાઇ મહિનામાં ટુ-વ્હિલર, પેસેન્જર વ્હિકલ અને ટ્રેક્ટરની ખરીદી ઓછી થવાથી તમામ પ્રકારના વાહનોનું કુલ વેચાણ 8 ટકા ઘટીને 14.36 લાખ યુનિટ થયુ છે.
ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડિલર્સ એસોસિએશન (ફાડા)ના આંકડા મુજબ જુલાઇમાં તમામ પ્રકારના વાહનોનું કુલ વેચાણ 7.84 ટકા ઘટીને 14,36,927 યુનિટ થયુ છે, જ્યારે જુલાઇ 2021માં 15,59,106 યુનિટ વાહનો વેચાયા હતા. ગત મહિને ટ્રેક્ટરનુ વેચાણ સૌથી વધુ 27.72 ટકા ઘટીને 59,573 યુનિટ થયુ છે. તેવી જ રીતે વાર્ષિક તુલનાએ ટુ- વ્હિલરનું વેચાણ 11 ટકા ઘટીને 10.09 લાખ યુનિટ અને પેસેન્જર વ્હિકલનું વેચાણ 4.6 ટકા ઘટીને 2.50 લાખ યુનિટ નોંધાયુ છે.
તો બીજી બાજુ રિક્ષા સહિતના વિવિધ થ્રી-વ્હિલર વાહનોનું કુલ વેચાણ વર્ષ 2021ના જુલાઇ મહિનામાં 27,908 યુનિટની સામે વર્ષ 2022ના સમાન મહિનામાં 50,349 વાહનો વેચાયા છે, આમ વાર્ષિક તુલનાએ વેચાણ 80.41 ટકા વધ્યુ છે. તેવી જ રીતે કોમર્શિયલ વ્હિકલનું વેચાણ વાર્ષિક તુલનાએ 27.32 ટકા વધીને 66,459 યુનિટ થયુ છે.
એસોસિએશને જણાવ્યુ કે, જુલાઇમાં નવા વાહનોનું રજિસ્ટ્રેશન ઘટ્યુ હોવા છતાં ખાસ કરીને કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં નવા મોડલ્સના લોન્ચિંગથી વૃદ્ધિમાં મદદ મળી છે. ઉપરાંત આગામી સમયમાં સપ્લાય વધવાથી વાહનોની ડિલિવરીનું વેઇટિંગ લિસ્ટ પણ ઓછું થવાની અપેક્ષા છે.
કોમર્શિયલ વ્હિકલના રિટેલ સેલ્સના આંકડાઓ સારી માંગના સંકેત આપે છે જે સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવાના પગલાંને આભારી છે. ઉપરાંત, શૈક્ષણિક સંસ્થાઓ અને ઓફિસોમાં ફરી સામાન્ય સ્થિતિમાં કામકાજ શરૂ થતા મૂળભૂત સેગમેન્ટમાં પણ માંગમાં રિકવરી જોવા મળી છે.