- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ બુધવારે આકસ્મિક એક મોનિટરી પોલિસી બેઠક બોલાવીને વ્યાજદરમાં વધારો ઝીંક્યો છે. ફૂંફાળા મારતી મોંઘવારી સામે લડવા માટે આરબીઆઈએ મે, 2020થી યથાવત રહેલ અત્યાર સુધીના સૌથી નીચા વ્યાજદરમાં વધારો કર્યો છે. આરબીઆઈએ રેપો રેટ 4 ટકાથી વધારીને 4.40 ટકા કર્યો છે. હજી આ વ્યાજ વધારાનું ગણિત સમજાય ત્યાં જ દેશની ટોચની ખાનગી બેંક ICICIએ પણ વ્યાજદરમાં વધારો કર્યો છે.
4 મેથી નવા દરો લાગુ
હા, સેન્ટ્રલ બેંકની જાહેરાત પછી, ખાનગી ક્ષેત્રની ધિરાણકર્તા ICICI બેંકે સૌપ્રથમ તેના એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (EBLR)માં વધારો કરવાની જાહેરાત કરી હતી. બેંકે રેટ 40 બેસિસ પોઈન્ટ વધારીને 8.10 ટકા કર્યા છે. નવા દરો 4 મે, 2022થી અમલી થશે.
એક્સટર્નલ બેંચમાર્ક રેટ એટલેકે બેંકનો ન્યૂનતમ ધિરાણ દર જેના પર બેંકો ધિરાણ આપી શકે છે. હોમ-ઓટો સહિતની લોન આપતી વખતે બેંકો EBLR અને RLLR પર ક્રેડિટ રિસ્ક પ્રીમિયમ (CRP) ઉમેરે છે.
બેંક ઓફ બરોડાએ પણ વધાર્યા દર :
ICICI બાદ બેંક ઓફ બરોડાએ પણ વ્યાજ દરમાં વધારો કરીને રિટેલ લોન લેતા ગ્રાહકો પર બોજ વધાર્યો છે. બેંકે કહ્યું કે બરોડા રેપો લિંક્ડ રેટ (BRLLR) વધારીને 6.90 ટકા કરવામાં આવ્યો છે. RBIના ચોંકાવનારા નિર્ણય બાદ ICICI અને બેંક ઓફ બરોડા બાદ વધુ બેંકો આવા પગલા ઉઠાવે તેવી શક્યતા છે.