- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFCએ હોમ લોનના વ્યાજ દરોમાં ફરી વધારો કર્યો છે. એક મહિનામાં ગૃહ ધિરાણ કરતી કંપની દ્વારા આ ત્રીજો વધારો છે. HDFC Ltdના આ નિર્ણયથી વર્તમાન લોનધારકો અને નવા ગ્રાહકો માટે હોમ લોન મોંઘી થઈ જશે અને તેઓએ હવે વધુ EMI ચૂકવવા પડશે. હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (HDFC)ના નવા વ્યાજના દરો 1 જૂન, 2022થી અમલી બની ગયા છે.
HDFC દ્વારા બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ને આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે હોમ લોન પર રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટ (RPLR)માં 5 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીએ 2 મેના રોજ RPLRમાં 5 બેસિસ પોઈન્ટ્સ અને 9 મેના રોજ 30 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો હતો. આ રીતે છેલ્લા એક મહિનામાં આ ત્રીજી વખત વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે.
કુલ 0.40% મોંઘી થઈ લોન :
રિઝર્વ બેંકે ફુગાવાને કાબૂમાં લેવા માટે 4 મેના રોજ રેપો રેટમાં આકસ્મિક 40 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. ત્યારપછી તમામ બેંકો અને ફાઈનાન્સ કંપનીઓએ લોન મોંઘી કરવાની શરૂઆત કરી છે. એચડીએફસીના તાજેતરના વધારા બાદ હવે કુલ વ્યાજદરમાં વધારો 40 બેસિસ પોઈન્ટ્સ થઈ ગયો છે.
નવા હોમ લોનના રેટ :
હોમ લોન માટે બેંચમાર્ક ગણાતા એડજસ્ટેબલ રેટ હોમ લોન (ARHL) RPLR પર જ નક્કી કરવામાં આવે છે. 30 લાખ સુધીની હાઉસિંગ લોન લેનારાઓ માટે હવે વ્યાજ દર 7.05 ટકાથી વધારીને 7.10 ટકા કરવામાં આવ્યો છે. મહિલા ગ્રાહકો માટે વ્યાજ દર 7 ટકાથી વધીને 7.05 ટકા થયો છે. 30 લાખથી વધુ અને 75 લાખથી ઓછી લોન માટે વ્યાજ દર વધારીને 7.40 ટકા કરવામાં આવ્યો છે. મહિલા ગ્રાહકોએ આ રકમની લોન પર 7.35 ટકા વ્યાજ ચૂકવવું પડશે.
75 લાખથી વધુની લોન લેવા પર મહિલા ગ્રાહકો માટે હવે વ્યાજ દર 7.45 ટકા રહેશે જ્યારે બાકીના ગ્રાહકોએ 7.5 ટકાના દરે EMI ચૂકવવી પડશે.