- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : બેંકો સાથે ઉદ્યોગપતિઓ, વેપારીઓ દ્વારા થતી છેતરપિંડીના અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે પરંતુ હવે દિવસે ને દિવસે બેંકના કર્મચારીઓ જ બેંક સાથે ફ્રોડ કરવાનું માલૂમ પડી રહ્યું છે.યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની છત્તીસગઢની એક બ્રાંચમા કરોડો રૂપિયાની ઉચાપતનો મામલો સામે આવ્યો છે.
યુનિયન બેંકના કેશિયરે પોતાની જ બેંક સાથે રૂ. 5.60 કરોડની છેતરપિંડી કરી છે. બેંકમાં રોકડ સિક્કા જમા કરાવ્યાનું બહાનું કરીને નાણાની ઉચાપત કરવામાં આવી છે. કેશિયરે નોકરી દરમિયાન 5 વર્ષમાં આ રકમ વટાવી છે. 21 એપ્રિલે કરન્સી ચેસ્ટમાં મોકલવામાં આવેલી રકમની ગણતરી કરવામાં આવે તો તે રૂ. 5.60 કરોડ ઓછી મળી હતી. બેંક અધિકારીઓએ ઉંડાણપૂર્વક તપાસ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ છેતરપિંડી રાયપુરના પ્રિયદર્શિની નગરની યુનિયન બેંકની બ્રાંચમાં કરવામાં આવી છે. માર્ચમાં બ્રાંચની રોકડને બેંકની કરન્સી ચેસ્ટમાં મોકલવામાં આવી રહી હતી. ગણતરી દરમિયાન માત્ર 1,39,099 રૂપિયાના સિક્કા મળી આવ્યા હતા. બેલેન્સ શીટના આંકડાની સામે આ રકમ રૂ. 5,59,68,259 ઓછી હતી. તપાસ કરતા કેશિયર કિશન બઘેલનું નામ સામે આવ્યું હતું. બેંકના મેનેજરે તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતાની સાથે જ કેશિયર પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરીને ફરાર થઈ ગયો હતો. કેશિયર 25 માર્ચથી જ ફરાર છે. તે 8 વર્ષથી બેંકમાં નોકરી કરતો હતો.
બેંકની રોકડ રકમ સાથે ધાંધલી સિવાય આ કેશિયરે 7 શંકાસ્પદ ખાતાઓમાં લાખો રૂપિયા પણ જમા કરાવ્યા છે. પોલીસ અને બેંકની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કિશન બઘેલે તમામ નાણાં ઓનલાઈન સિસ્ટમથી ખર્ચ્યા નથી. તે બેંકની ચેસ્ટથી થેલીમાં ભરીને રોકડ અને 10-10 સિક્કા પણ લઈ જતો હતો.
કઈ રીતે કરોડોના સિક્કાનો ખેલ રમી ગયો બઘેલ ?
કેશિયર હંમેશા દસ્તાવેજોમાં બતાવતો હતો કે 10 રૂપિયાના લાખો સિક્કા જમા થયા છે પરંતુ સિક્કા આવ્યા જ ન હતા. કેશિયર સિક્કાઓની એન્ટ્રી કરીને પૈસા ઉપાડી લેતો હતો. બેંકની તપાસ અનુસાર 24 માર્ચ 2022ના રોજ બેંકનું કેશ બેલેન્સ 4.80 કરોડ રૂપિયા હતું. બે દિવસ પછી 26 માર્ચે તે વધીને 6.23 કરોડ રૂપિયા થઈ ગયું. એ જ રીતે 24 માર્ચના રોજ સિક્કાનું રોકડ બેલેન્સ રૂ. 3.45 કરોડ હતું, બીજા દિવસે કુલ રૂ. 5.61 કરોડની એન્ટ્રી થઈ હતી. કિશન નકલી એન્ટ્રી કરીને દસ્તાવેજો સુધારતો હતો. માર્ચમાં માત્ર બે દિવસમાં કરોડો સિક્કાની એન્ટ્રીએ ઉચ્ચ અધિકારીઓને શંકા ઉપજાવી હતી, જે બાદ તપાસ કરતા આ છેતરપિંડી સામે આવી હતી.