- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : જુલાઈ, 2021થી બાઉન્સ રેટમાં જોવા મળી રહેલ સુધારો વર્ષના અંતિમ મહિના સુધી સુધરતો જ રહ્યો છે. ડિસેમ્બર 2021માં ઓટો-ડેબિટ પેમેન્ટ બાઉન્સ એટલેકે બાઉન્સ રેટ કોરોના મહામારીના સંક્રમણ બાદના સૌથી નીચા સ્તરે આવ્યાં છે.
નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH)ના ડેટા અનુસાર ડિસેમ્બરમાં વોલ્યુમની દ્રષ્ટિએ બાઉન્સ રેટ 30 ટકા અને મૂલ્યની દ્રષ્ટિએ 24.4 ટકા હતો. વોલ્યુમ અને મૂલ્યની દ્રષ્ટિએ બાઉન્સ દર સપ્ટેમ્બર 2019 પછી સૌથી નીચો ડિસેમ્બર, 2021માં રહ્યો છે.
આર્થિક રિકવરીને પગલે જુલાઈ-સપ્ટેમ્બરનો ત્રિમાસિકગાળો બાઉન્સ રેટમાં મૂલ્યની દ્રષ્ટિએ સૌથી સારો રહ્યો હતો. જોકે ગત કવાર્ટરમાં તે વધુ 220 બેસિસ પોઈન્ટ્સ (bps) સુધર્યો છે. માસિક દ્રષ્ટિએ બાઉન્સ રેટમાં વોલ્યુમ અને મૂલ્યમાં અનુક્રમે 130 બેસિસ પોઈન્ટ્સ અને 70 બેસિસ પોઈન્ટ્સ ઘટાડો થયો છે.
2017થી 2019ના સમયમાં એટલેકે પ્રી-કોવિડના ડિસેમ્બર મહિના માટે સરેરાશ બાઉન્સ રેટ વોલ્યુમમાં લગભગ 26 ટકા અને મૂલ્યની રીતે 22 ટકા હતા એટલેકે હજી પણ 2021માં આ આંકડો ચિંતાજનક છે.
અહેવાલમાં વધુમાં ઉમેર્યું હતું કે બેંકોમાં આઈસીઆઈસીઆઈ બેંકનો બાઉન્સ દર સૌથી ઓછો છે અને ઇન્ડસઇન્ડ બેન્કનો સૌથી વધુ છે.
2020ના જૂન અને નવેમ્બર વચ્ચેના સૌથી ખરાબ રેકોર્ડ આંકડા બાદ પ્રતિબંધો ખુલતા અને આર્થિક રિકવરીને કારણે ડિસેમ્બર,2020થી બાઉન્સ દરો નીચે આવવા લાગ્યા હતા, જે ગ્રાહકો દ્વારા માસિક હપ્તાઓ, ઉપયોગિતા અને વીમા પ્રીમિયમની ચૂકવણીમાં વધુ નિયમિતતા દર્શાવતા હતા પરંતુ, એપ્રિલ 2021માં કોરોના મહામારીના બીજા તરંગને કારણે વલણ પલટાયું અને ફરી બેંકો સહિતના લેણદારો માટે સમસ્યાઓ ઉભી થઈ. જોકે ફરી જુલાઈ, 2021થી કોરોનાની બીજી લહેર ઓસરતા બાઉન્સ રેટ ઘટવા લાગ્યા હતા.
2020-21માં એનએએચસી દ્વારા અસફળ ઓટો-ડેબિટ રિક્વેસ્ટ કુલ ઓટો-ડેબિટ રિસ્કવેસ્ટના 38.91 ટકા જેટલી હતી. 2019-20માં તે 30.3 ટકા હતી અને 2018-19માં તે 23.3 ટકા હતી.
મેક્વાયરી કેપિટલે પણ આશા વ્યકત કરી કે બાઉન્સ રેટમાં સુધારો બેંકો માટે રાહતના સમાચાર છે અને ત્રીજા ત્રિમાસિકગાળામાં બેંકોના એનપીએ સહિતના માપદંડો અને પરિણામો સકારાત્મક સંકેત સૂચવે છે.