- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

નવી દિલ્હી: આવકવેરા વિભાગ દુનિયાની અમુક સૌથી મોટી ઓનલાઈન ગેમિંગ અને બેટિંદ કંપનીઓની તપાસ કરી રહી છે. આ કંપનીઓ ઓસ્ટ્રેલિયા, કુરાસાઓ, સાઈપ્રસ, માલ્ટા, ફિલીપાઈન્સ અને રશિયા જેવા દેશોમાં રજિસ્ટર્ડ છે અને ભારતમાં જીએસટીનું પેમેન્ટ નથી કરી રહી. ટેક્સ અધિકારીઓની તપાસમાં સામે આવ્યું છે કે ઘણાં ભારતીય નિયમિત રૂપે આ ઓનલાઈન ગેંબલિંગ વેબસાઈટ્સ પર જાય છે. ખાસ કરીને લોકડાઉન દરમિયાન શરૂઆતમાં કડક પ્રતિબંધોને પગલે આ વેબસાઈટ્સ પર ટ્રાફિક કેટલાય ગણો વધી ગયો હતો.
ઘણા ક્ષેત્રોમાં કર્મચારીઓ હજી પણ ઘરેથી કામ કરી રહ્યાં છે અને લોકડાઉન પ્રતિબંધોમાં છૂટછાટ હોવા છતાં, ભારતમાં આ ગેંબલિંગ સાઇટ્સ પર ટ્રાફિક સતત વધી રહ્યો છે. આ વેબસાઇટ્સ ક્રિપ્ટોકરન્સીઝમાં પણ બેટ્સ સ્વીકારે છે, જેનાથી ટેક્સ વિભાગને શોધવાનું વધુ મુશ્કેલ બને છે. આ વિભાગની નજર વિશ્વની કેટલીક સૌથી મોટી બેટિંગ વેબસાઇટ્સ અને તેમની હોલ્ડિંગ કંપનીઓ પર છે. આમાં Betway, Dafabet, ComeonConnect, RoyalPanda, EuropaCasino, 22Bet, Melbet, 10CRIC, 1XBet, Bet365 અને LeoVegas શામેલ છે.
Betway, ComeonConnect, Melbet અને 1XBetએ આ વિશે પ્રશ્નોના કોઈ જવાબ આપ્યા નથી. બાકીની વેબસાઇટ્સ અથવા તેમની હોલ્ડિંગ કંપનીઓ સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી કારણ કે તેમના વેબપેજ પર કોઈ કોમ્યુનિકેશનનું માધ્યમ પૂરૂ પાડવામાં આવ્યું નથી. ટેક્સ નિષ્ણાતો કહે છે કે ગેમ્બલિંગ અથવા બેટિંગ પ્લેટફોર્મથી જીએસટી એકત્રિત કરવું સરળ નથી. ડેલોઇટ ઈન્ડિયાના ભાગીદાર એમએસ મણીએ કહ્યું કે જીએસટી સંગ્રહ માટે પુરવઠાની જગ્યા નક્કી કરવી જરૂરી છે. આ એ ક્ષેત્ર છે જેનો અર્થ ઘણી રીતે કરી શકાય છે.
ઈનડાયરેક્ટ ટેક્સ વિભાગના તપાસ એજન્સીના ડાયરેક્ટર જનરલ જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઈ) એ બેંકોને આ 11 વેબસાઇટ્સ અને તેમની હોલ્ડિંગ કંપનીઓની બેંક વિગતો આપવા જણાવ્યું છે. સરકાર ઇચ્છે છે કે આ વેબસાઇટ્સ ભારતીય નાગરિકોના ટ્રાન્ઝેક્શન પર જીએસટી ચૂકવે. જીએસટી વ્યવસ્થામાં પ્લેસ ઓફ સપ્લાયથી નક્કી થાય છે કે ટેક્સ ભરવો છે કે નહીં.
ઇવાય ઈન્ડિયાના નેશનલ લીડર (ઈનડાયરેક્ટ ટેક્સ) ઉદય પિંપરીકરે કહ્યું કે, વિશ્વવ્યાપી તે સ્વીકાર્ય સ્થિતિ છે કે ગ્રાહક જ્યાં છે ત્યાં પ્લેસ ઓફ સપ્લાય છે. પછી એનાથી કોઈ ફરક નથી પડતો કે સપ્લાયર વિશ્વમાં ક્યાં રહે છે. પરંતુ બેટિંગ અને કેસિનો બિઝનેસમાં પરિસ્થિતિ ખૂબ જટિલ છે. બેટ્સ સ્વીકારતી ઓનલાઇન ગેમિંગ કંપનીઓ અથવા કસિનો પર કર આપવો હંમેશાં મુશ્કેલ કાર્ય રહ્યું છે. આ સાથે, સવાલ પણ ઉભો થાય છે કે ટેક્સ રેટ શું હશે.
2019માં ઈનડાયરેક્ટ ટેક્સ ડિપાર્ટમેન્ટે સટ્ટાબાજીની પરવાનગીવાળી ઘણી ભારતીય વેબસાઈટ્સને પુછપરછ કરી હતી. આ મામલે કોર્ટના એક નિર્ણયનો હવાલો આપતા આ કંપનીઓએ તર્ક કર્યો કે, તે ગેમ્બલિંગ કે બેટિંગની મંજૂરી નથી આપી પરંતુ સ્કિલ બેસ્ડ ગેમિંગ કરાવે છે. પરંતુ બે કારણોથી વિદેશી કંપનીઓ માટે આ તર્ક ઉપયોગી નહિં થઈ શકે. પહેલું એ કે, આ 11 કંપનીઓમાંથી મોટાભાગની કર બચાવવાવાળા દેશોમાં રજીસ્ટર્ડ છે અને સીધી રીતે બેટિંગ પ્રોત્સાહન આપે છે. બીજું કારણ એ કે મોટાભાગની ભારતીય કંપનીઓ જીએસટીની ચૂકવણી કરી રહી છે. વિવાદ ફક્ત એ વાતનો છે કે આને કેટલી રેટ કરવી જોઈએ. ભારતમાં કોઈ પણ વિદેશી કંપની કોઈ ટેક્સ નથી આપી રહી.