- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
અમદાવાદ : દેશમાં એલ્યુમિનિયમ, ઝીંક, સ્ટીલ અને ક્રુડ ઓઈલ ક્ષેત્રે અગ્રણી ઉત્પાદક અનિલ અગ્રવાલ જૂથની વેદાન્તાએ રોકાણકારો સામે વધુ એક દાવ નાખ્યો છે. અગાઉ, ક્રુડ ઓઈલ ઉત્પાદક કેઈર્ન ઇન્ડિયાનું મર્જર એલ્યુમિનિયમ ઉત્પાદક સ્ટરલાઇટ સાથે મર્જર કર્યું પછી શેરબજારમાંથી ડીલીસ્ટીંગ માટે નિષ્ફળ પ્રયત્ન કર્યો પછી પોતાનો હિસ્સો વધાર્યા બાદ હવે બોર્ડ ઓફ ડીરેક્ટર દ્વારા ફરી વેદાન્તાના વિવિધ બિઝનેસનું ડીમર્જર કરવાના વિકલ્પ તપાસવાની જાહેરાત કરી છે.
વેદાન્તા લીમીટેડ બુધવારના બંધ ભાવે રૂ.૧,૨૫,૭૮૯ કરોડનું મૂલ્ય ધરાવતી કંપની છે અને શેરનો ભાવ રૂ.૩૩૮.૪૦ છે. આ કંપની એલ્યુમિનિયમ, સ્ટીલ અને ક્રુડ ઓઈલના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. અનીલ અગ્રવાલે આ ત્રણેય બિઝનેસ વિવિધ તબક્કે કેન્દ્ર સરકાર કે અન્ય પાસેથી ખરીદયા છે. હવે રોકાણકારોનું મૂલ્ય વધે – વેલ્યુ અનલોક થાય – એવા ઉદેશ સાથે ફરી વેદાન્તામાંથી ત્રણ કંપની બનાવી તેનું લીસ્ટીંગ કરવાની વિચારણા છે. ત્રણેય કંપનીની મૂડી, દેવું અને મેનેજમેન્ટ અલગ રહે એ અંગે તપાસ કરવા માટે બોર્ડે એક આંતરિક સમિતિની નિમણુક કરી છે. વેદાન્તાના કુલ વેચાણમાં ક્રુડ ઓઈલનો હિસ્સો નવ ટકા, એલ્યુમિનિયમ ૩૩ ટકા અને સ્ટીલનો પાંચ ટકા જેટલો છે. આ સિવાય કંપની કોપર, ઝીંક અને લેડના બિઝનેસમાંથી પણ આવક રળે છે.
અહી ઉલ્લેખનીય છે કે વેદાન્તાએ સપ્ટેમ્બર ૨૦૨૦માં માત્ર રૂ.૮૭.૨૦ના ભાવે રોકાણકારો પાસેથી બધા શેર ખરીદી લેવા માટે ઓફર કરી હતી. એલઆઈસી, અન્ય સંસ્થાકીય રોકાણકારોએ કંપનીની ઓફર પ્રાઈસ બહુ નીચી હોવાની ફરિયાદ કરી હોવા છતાં અબજોપતિ અનિલ અગ્રવાલે ડીલીસ્ટીંગ માટેના પ્રયત્ન ચાલુ રાખ્યા હતા અને ઓફર નિષ્ફળ ગઈ હતી તેથી શેરોમાં ટ્રેડીંગ ચાલુ રહ્યું હતું.
કોરોના બાદ કોમોડીટી બજારમાં ક્રુડ. સ્ટીલ અને એલ્યુમિનિયમના ભાવમાં ભારે તેજી આવતા શેરના ભાવ ઉછળ્યા હતા. આ પછી પ્રમોટર જૂથ દ્વારા માર્ચ ૨૦૨૧માં ઓપન ઓફરમાં રૂ.૨૩૫નાં ભાવે ૬૫ કરોડ શેર ખરીદવાનો પ્રયત્ન થયો હતો. તેમાં પણ માત્ર ૫૮ ટકા શેર મળ્યા હતા. મોટી હકીકત એ છે કે છ જ મહિનામાં ડીલીસ્ટીંગ ભાવ કરતા ઓપન ઓફરનો ભાવ ત્રણ ગણો વધી ગયો હતો.