- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
અમદાવાદઃ ભારતીય શેરબજારમાં સતત પાંચમા દિવસે પણ ભારે વેચવાલી જારી રહેતા હાહાકાર મચ્યો છે. સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં બે મહિનાનો સૌથી મોટો એક દિવસીય કડાકો બોલાયો અને સેન્સેક્સ 50,000 અને નિફ્ટી 14700ની મહત્વપૂર્ણ સપાટીની નીચે બંધ થયા છે. આજે બેન્ચમાર્ક સેન્સેક્સમાં 1145 પોઇન્ટના કડાકા બોલાયો અને કામકાજના અંતે 50,000ની મહત્વપૂર્ણ સપાટીની નીચે 49,744ના સ્તરે બંધ થયા હતા. જે છેલ્લા બે મહિનાનો સૌથી મોટો કડાકો છે. આજે સેશન દરમિયાન સેન્સેક્સે 49,617ની ઇન્ટ્રા-ડ બોટમ બનાવી હતી. તેવી જ રીતે બેન્ચમાર્ક નિફ્ટી પણ ઇન્ટ્રા-ડે 14635ની બોટમ બનાવી સેશનના અંતે 306 પોઇન્ટના ધબડકામાં 15,000ના સપોર્ટ લેવલની નીચે 14,675ના સ્તરે બંધ થયો હતો. ટકાવારીની રીતે આજે સેન્સેક્સ 2.25 ટકા અને નિફ્ટી 2.04 ટકા તૂટ્યો હતો.
આજે શેરબજારમાં એકંદરે સાર્વત્રિક વેચવાલીનો જ માહોલ હતો. બેન્ચમાર્ક સેન્સેક્સના 30માંથી 27 સ્ટોક ડાઉન હતા. જેમાં ડો. રેડ્ડીઝ 4.8 ટકા, મહિન્દ્રા- મહિન્દ્રા 4.5 ટકા, ટેક મહિન્દ્રા 4.4 ટકા, ઇન્ડ્સઇન્ડ બેન્ક સવા ચાર ટકા અને એક્સિસ બેન્કનો શેર 4 ટકાની મંદી સાથે ટોપ-5 લૂઝર્સ બન્યા હતા. આજે રિલાયન્સનો શેર પણ 3.5 ટકા ઘટીને 2007 રૂપિયાના ભાવે બંધ થયો હતો. જેના પગલે સેન્સેક્સને 216 પોઇન્ટનો ફટકો પડ્યો હતો. તે ઉપરાંત સેન્સેક્સને એચડીએફસીથી 136 પોઇન્ટ, ટીસીએસથી 108 પોઇન્ટનું નુકસાન થયુ હતુ. બેન્ચમાર્ક નિફ્ટીના 50માંથી 40 શેર રેડ ઝોનમાં બંધ થયા હતા.
શેરબજારમાં બે મહિનાના સૌથી મોટા ધબડકાની સામે આજે ઇન્ડિયા વોલેટાલિટી ઇન્ડેક્સમાં પણ બે મહિનાનો સૌથી મોટો ઉછાળો આવ્યો હતો. વોલેટાલિટી ઇન્ડેક્સ 14.5 ટકા વધીને 25.47ના સ્તરે બંધ થયો હતો જે જુલાઇ પછીનું સૌથી ઉંચુ લેવલ છે.
રોકાણકારોની સંપત્તિમાં લગભગ 4 લાખ કરોડનું રોકાણ
ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે જ બે મહિનાનો સૌથી મોટા કડાકાથી રોકાણકારોને પણ જંગી નુકસાન થયુ છે. આજે સોમવારે બીએસઇ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ વેલ્યૂએશન 200.26 લાખ કરોડ રૂપિયા રહી હતી. જે ગત શુક્રવારે 203.98 લાખ કરોડ રૂપિયા હતી. આમ આજે બીએસઇની માર્કેટકેપમાં 3.72 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયુ છે. જો બીજા શબ્દોમાં કહીયે તો રોકાણકારોને આજે શેરબજારમાં આટલી રકમનું નુકસાન થયુ છે.
શેરબજારમાં સાર્વત્રિક મંદીના માહોલ
ભારતીય શેરબજાર સતત પાંચ દિવસથી ઘટી રહ્યુ છે અને આજે સોમવારે જંગી વેચવાલીના લીધે સાર્વત્રિક મંદીના માહોલ હતો કારણ કે તમામ ઇન્ડાઇસિસ ઘટ્યા હતા. જેમાં મિડકેપ ઇન્ડેક્સ 1.4 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1 ટકા ડાઉન હતા. તો સેક્ટોરિયલ ઇન્ડાઇસિસમાં સૌથી વધુ એનર્જી ઇન્ડેક્સ 3 ટકા તૂટ્યો અને રિયલ્ટી ઇન્ડેક્સમાં 2.9 ટકાનો ભૂકંપ આવ્યો હતો. તો ટેક ઇન્ડેક્સ, મેટલ, કેપિટલ ગુડ્સ, ઓટો, યુટિલિટીઝ આઇટી ઇન્ડેક્સ, બેથી પોણા ત્રણ ટકા સુધી તૂટ્યા હતા. બીએસઇની માર્કેટબ્રેડ્થ ભારે નેગેટિવ હતી. આજે બીએસઇના 1040 શેર વધ્યા હતા જેની સામે 1987 સ્ટોક ઘટ્યા હતા.
શેરબજારમાં ઘટાડાનું કારણ
- ભારતમાં સતત છઠ્ઠા દિવસે કોરોના વાયરસના નવા કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો
- મહારાષ્ટ્રમાં ફરી કોરોના વાયરસનું સંક્રમણ વધ્યુ, લોકડાઉન જેવા પ્રતિબંધ લદાયા
- રોકાણકારો દ્વારા ઉંચા મથાળે જંગી વેચવાલી, સતત 5માં દિવસે બજાર ઘટ્યુ
- અર્થતંત્રની વૃદ્ધિ અંગે હજી પણ શંકા, પરિસ્થિતિ વિકટ હોવાની ચિંતા