- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇઃ ભારતીય શેરબજારમા પાંચ દિવસની મંદીને આજે મંગળવારે બ્રેક લાગી અને બેન્ચમાર્ક સેન્સેક્સ-નિફ્ટી સાધારણ સુધારે ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. આજે સેન્સેક્સ માત્ર 7 પોઇન્ટ સુધરી 49,751ના સ્તરે બંધ થયો હતો. આમ શેરબજારની શરૂઆત સારી રહેતા સેન્સેક્સ પાછલા બંધથી 250 પોઇન્ટના ઉંચા ગેપથી 49,994ના સ્તરે ખૂલ્યો હતો અને ઇન્ટ્રા-ડેમાં 583 પોઇન્ટના ઉછાળે 50,000ની સપાટી કુદાવી 50,327ની ટોચને સ્પર્શ્યો હતો. જો કે બપોર બાદ ફરી વેચવાલીના દબાણ બેન્ચમાર્કમાં આરંભિક સુધારો ધોવાઇ ગયો અને સેશનના અંતે નામમાત્ર વધીને બંધ થયો હતો. જો કે આ સેન્સેક્સ કરતા નિફ્ટી વધુ ઉછળ્યો હતો. આજે બેન્ચમાર્ક નિફ્ટી 32 પોઇન્ટ વધીને 14,707ના સ્તરે બંધ થયો છે. ઇન્ટ્રા-ડેમાં બેન્ચમાર્ક 14854ની ઉંચી સપાટીને સ્પર્શ્યો હતો. શેરબજારમાં ભલે મંદી અટકી છે જો કે રોકાણકારો સાવધાની રાખવાની જરૂર છે કારણ કે માર્કેટમાં ઉંચા સ્તરે વેચવાલીનું પ્રેશર હજી જોવા મળી રહ્યુ છે.
મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના નવા કેસો ચિંતાજનક દરે વધતા ભારતમાં જીવેલણ વાયરસની બીજી લહેરની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે. જેની સીધી અસર શેરબજાર ઉપર પણ થઇ રહી છે.
મેટલ ઇન્ડેક્સમાં મજબૂતી
આજના સુધારામાં મેટલ ઇન્ડેક્સ નોંધપાત્ર મજબૂત થયો હતો. બીએસઇના સેક્ટોરિયલ ઇન્ડાઇસિસમાં મેટલ ઇન્ડેક્સ 3.7 ટકાની મજબૂતીમાં 13,579 થયો હતો. તેના 10માંથી 9 શેર વધ્યા હતા. તો રિયલ્ટી ઇન્ડેક્સ 2.9 ટકા, ઓઇલ-ગેસ અને કેપિટલ ગુડ્સ બે ટકા વધ્યા હતા. જો કે ટેલિકોમ, બેન્કેક્સ ઇન્ડેક્સ સાધારણ નરમ હતા. બોર્ડર માર્કેટમાં મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ એક ટકાથી ઓછા સુધર્યા હતા.
આજે મંગળવારે ઓઇલ અને મેટલ કંપનીઓના શેરમાં તેજી દેખાઇ હતી. બેન્ચમાર્ક સેન્સેક્સના 30માંથી 20 શેર વધ્યા હતા જેમાં ઓએનજીસ 5.5 ટકા, ઇન્ડ્સઇન્ડ બેન્ક 2.6 ટકા, લાર્સન 2.3 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.7 ટકા અને એસબીઆઇ 1.6 ટકા વધી ટોપ-5 ગેઇનર બન્યા હતા. તો સામે એચસીએલ ટેક, એચડીએફસી બેન્ક, બજાજ ઓટો, મારુતિ, કોટક બેન્કના શેર 1થી 4 ટકા જટેલા ઘટીને ટોપ-5 લૂઝર બન્યા હતા.
રસાકસીને અંતે બીએસઇની માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ રહી હતી. જેમાં બીએસઇ ખાતે 1690 શેર વધીને જ્યારે 1232 સ્ટોક ઘટીને બંધ થયા હતા. આજે બીએસઇ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ વેલ્યૂએશન 201.39 અબજ ડોલર થઇ હતી જે ગઇકાલ સોમવારે 200.26 લાખ કરોડ રૂપિયા હતી.