- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : ટેલીગ્રામ અને ટ્વિટર સહિતના સોશ્યલ મીડિયા એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને શેરોની ટીપ્સ ફેરવવાના ચાલી રહેલા કૌભાંડમાં સંડોવાયેલી ટોળકીને મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી)એ સપાટાંમાં લીધી છે.
સેબીએ તેના આદેશમાં છ વ્યક્તિઓ પર રૂ.૨.૮૪ કરોડનો દંડ ફટકાર્યો છે અને તેમના શેર બજારમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સેબીના આદેશ મુજબ આ વ્યક્તિઓ શેરોના ભાવોને ચગાવવા અને ગેરકાયદે નફો રળવા માટે સોશ્યલ મીડિયા ચેનલોનો ઉપયોગ કરીને શેરોની વણમાગી ભલામણો કરી રહ્યા હતા. સેબીએ આ વ્યક્તિઓને તેમણે આ પ્રકારે ગેરકાયદે પ્રવૃતિ થકી મેળવેલા નફાને એસ્ક્રો એકાઉન્ટમાં જમા કરવા જણાવ્યું છે.
આ ઉપરાંત સેબીએ છ વ્યક્તિઓને નવા આદેશો સુધી શેરોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખરીદી, વેચાણ કે સોદા નહીં કરવા આદેશ આપ્યો છે. આ એકમો-વ્યક્તિઓ પ્રીવેન્શન ઓફ ફ્રોડ એન્ડ રીસર્ચ એડવાઈઝર રેગ્યુલેશન્સ માટેના સેબીના ધોરણોનું ઉલ્લંઘન કરીને સેબી સાથે રજીસ્ટ્રેશન વિના શેરોની ટીપ્સ ફેરવી રહ્યા હોવાનું જણાયું હતું.
સેબી દ્વારા અનરજીસ્ટર્ડ રીસર્ચ એનાલિસ્ટો દ્વારા સોશ્યલ મીડિયા અથવા ટીવી ચેનલો થકી ફેરવવામાં આવતી ટીપ્સના કિસ્સા વધી રહ્યાની નોંધ લઈને કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ એકમો શેરોના ભાવને કૃત્રિમ રીતે ચગાવીને શેરોની ટીપ્સ ફેરવીને રોકાણકારોને આ પ્રકારે નુકશાનીના ખાડાંમાં ઉતારતા હોય છે.
આ વ્યક્તિઓ સ્મોલ કેપ કંપનીઓમાં બલ્કમાં એટલે કે મોટી સંખ્યામાં પહેલા શેરો ખરીદી લેતા હોવાનું અને પછી કંપનીમાં મજબૂત શકયતાઓના પાયાવિહોણા અને ગેરમાર્ગે દોરતા મેસેજો સોશ્યલ મીડિયા ચેનલો થકી ફેરવીને આ શેરોમાં રોકાણકારોને ખરીદી માટે લલચાવતા હોય છે. જેનાથી લલચાઈ રોકાણકારો ખરીદી કરવા દોડે અને શેરોના ભાવો ઉછળે એટલે શેરો વેચીને નફો ઘરભેગો કરતાં હોય છે.