- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.comઅમદાવાદ : સમાપ્ત થયેલા ૨૦૨૧ના કેલેન્ડર વર્ષમાં વ્યક્તિગત રોકાણકારોના ઈક્વિટી હોલ્ડિંગ્સનું મૂલ્ય ૬૦ ટકા જેટલું વધ્યું હોવાનું એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું છે. કોઈ એક વર્ષમાં દેશના શેરબજારમાં રિટેલ રોકાણકારોનો જંગી ધસારો થયો હોય તેવું ૨૦૨૧માં પ્રથમ જ વખત જોવા મળ્યું છે.
વ્યક્તિગત રોકાણકારોના ઈક્વિટી હોલ્ડિંગ્સનું મૂલ્ય રૂપિયા ૨૧ ટ્રિલિયન અથવા તો ૬૦ ટકા વધી રૂપિયા પ૫ ટ્રિલિયન રહ્યું હતું. ડિસેમ્બર ૨૦૨૦ના અંતે ઈક્વિટી હોલ્ડિંગ્સનું મૂલ્ય જે રૂપિયા ૩૪.૫૦ ટ્રિલિનય હતું તે ડિસેમ્બર ૨૦૨૧ના અંતે વધી રૂપિયા ૫૫.૪૦ ટ્રિલિયન પહોંચી ગયું હતું.
ડીમેટ ખાતાની સંખ્યા પણ આ ગાળામાં ૪.૯૦ કરોડથી વધી ૭.૯૭ કરોડ પર પહોંચી ગઈ હતી. ડીમેટ ખાતાની સંખ્યા એક વર્ષમાં ત્રણ કરોડ જેટલી વધી છે.
ડીમેટ ખાતા દીઠ સરેરાશ હોલ્ડિંગ્સનો આંક જે ડિસેમ્બર ૨૦૨૦ના અંતે રૂપિયા ૭,૦૩,૫૬૫ રહ્યો હતો તે ડિસેમ્બર ૨૦૨૧ના અંતે એક ટકા જેટલો ઘટી રૂપિયા ૬,૯૪,૯૦૭ રહ્યો હતો. આમ ખાતા દીઠ સરેરાશ હોલ્ડિંગ્સમાં વિતેલા વર્ષમાં ઘટાડો થયો છે.
બીએસઈમાં લિસ્ટેડ દરેક શેરોની મળીને માર્કેટ કેપ રૂપિયા ૭૮ ટ્રિલિયન વધીને ૨૦૨૧ના અંતે રૂપિયા ૨૬૬ ટ્રિલિયન રહી હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. ઈક્વિટીઝ બજારમાં રિટેલ રોકાણકારોનો આ પ્રવાહ તેઓ ગોલ્ડ,રિઅલ એસ્ટેટ અથવા ઋણ સાધનમાંથી ઈક્વિટીઝ તરફ આકર્ષિત થઈ રહ્યાનું સૂચવે છે.
સેકન્ડરી માર્કેટની તેજીને કારણે દેશના શેરબજારોમાં પ્રાઈમરી માર્કટ પણ હાલમાં ધમધમી રહી છે. પ્રાઈમરી માર્કેટ તરફ રોકાણકારોના આકર્ષણને કારણે ડીમેટ ખાતાની સંખ્યામાં જોરદાર વધારો જોવા મળ્યો છે. કોરોનાના કાળમાં દેશના પરિવારોએ આવકના એક નવા સાધન તરીકે પણ શેરબજારો તરફ નજર દોડાવી હોવાનો મત પ્રવર્તી રહ્યો છે.