- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : હોટલ ચેઈન ઓયોનો આઈપીઓ એક બાદ કારણોસર અટકી રહ્યો છે. હવે ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન્સ ઓફ ઈન્ડિયા (FHRAI)એ ફરી એકવાર માર્કેટ રેગ્યુલેટર સેબીને હોસ્પિટાલિટી ફર્મ OYOના IPOને મંજૂરી ન આપવા અપીલ કરી છે. એસોસિએશને કહ્યું કે સોફ્ટબેંક દ્વારા રોકાણ કરાયેલ ઓયોને તાજેતરના વર્ષોમાં ભારે નુકસાન થયું છે, તેથી તેને IPO માટે જવાની મંજૂરી આપવી જોઈએ નહીં.
FHRAI અનુસાર OYOને નાણાકીય વર્ષ 2021માં રૂ. 3943.84 કરોડની ખોટ થઈ હતી, જેનો અર્થ છે કે કંપનીને પ્રતિ મિનિટ રૂ. 76,077ની ખોટ થઈ હતી. OYO 2013 માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને ત્યારથી તે ખોટ કરી રહ્યું છે. વર્ષ 2020માં કંપનીનું ટર્નઓવર રૂ. 13,413 કરોડ હતું, જે વર્ષ 2021માં ઘટીને રૂ. 4157 થઈ ગયું છે. એસોસિએશને સેબીને જણાવ્યું હતું કે OYOના IPO સામાન્ય રોકાણકારોના પૈસા ડૂબી જશે અને માત્ર તેના સ્થાપકો અને મેનેજમેન્ટ જ ફાયદો થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ FHRAIએ અપૂરતા ડિસ્ક્લોઝર અને કથિત ખોટા ડેટાને લઈને OYOના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) સામે વાંધો ઉઠાવ્યો હતો.
ગુરબક્ષ સિંઘ કોહલી, વાઇસ-પ્રેસિડેન્ટ, FHRAIએ જણાવ્યું કે, “સ્પર્ધા ઘટાડવાની સાથે OYO એવી કંપની છે જે તેની શરૂઆતથી જ ખોટ કરી રહી છે. તેણે રોકાણકારો અને તેના દેશમાંથી ઘણા પૈસા ઊભા કર્યા હશે. વિશ્વના સૌથી આશાસ્પદ સ્ટાર્ટઅપ્સમાંના એક તરીકે જોવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેણે જમીન પર તેના વ્યવસાયને અસરકારક રીતે સંચાલિત કરવા માટે કંઈ કર્યું નથી."
કોહલીએ જણાવ્યું હતું કે, "OYO પાસે ESOP (એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન પ્રોગ્રામ)નો સૌથી મોટો અનામત જથ્થો પણ છે જેની કિંમત 1.1 અબજ ડોલર છે. આ આંકડો હાસ્યાસ્પદ છે. કંપનીના નબળા નાણાંકીય પ્રદર્શન અને નુકસાન ઉપરાંત નોંધવું જરૂરી છે કે ભારતીય કોમ્પિટિશન કમિશન પણ સ્પર્ધા વિરોધી પદ્ધતિઓ અપનાવવા બદલ ઓયો સામે તપાસ કરી રહ્યું છે."
આ સિવાય OYO સામે કોર્પોરેટ ઈન્સોલવન્સી રિઝોલ્યુશન પ્રોસેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ઉપરાંત, OYO હોટલ ચલાવવામાં નિષ્ફળ રહી છે અને તેણે કોરાનાના બહાને આવી સેંકડો હોટલોને તેના પ્લેટફોર્મ પરથી હટાવી દીધી છે, જેની સાથે તેની સાથે માસ્ટર સર્વિસ એગ્રીમેન્ટ (MSA) હતો. કોહલીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે ઓયોએ ઘણી નાની હોટેલોના લેણાં ક્લિયર કર્યા નથી.
ઓયોએ ગત વર્ષે ઓક્ટોબરમાં માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે જાહેર ભરણું બહાર પાડી પૈસા એકત્ર કરવા માટે ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યા હતા.