- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

કોરોના બાદની ઝડપી રિકવરી અને હવે રશિયા-યુક્રેન યુદ્ધની કટોકટીને કારણે ડિમાન્ડ વધતા તથા સપ્લાય ઘટની આશંકાએ ક્રૂડના ભાવ ઉંચકાતા મોંઘવારીનો માર સામાન્ય જનતા પર પડી રહ્યો છે અને તેને કારણે અર્થવ્યવસ્થાને બચાવવા માટે વિશ્વની ટોચની સેન્ટ્રલ બેંકોએ વ્યાજદર વધારાનો કડવો ઘૂટ પીવો પડી રહ્યો છે. જોકે સામે પક્ષે હવે આ વ્યાજદર વધારાને કારણે મંદી આવશે અને આ મંદીને કારણે માંગ ઘટવાની આશંકા હેઠળ ક્રૂડના ભાવમાં મસમોટો કડાકો જોવા મળ્યો છે.
શુક્રવારે બ્રેન્ટ અને યુએસ WTIમાં આવેલ 6%ના કડાકા સાથે ક્રૂડ 25મી મે બાદના તળિયે પહોંચતા આજે ભારતીય ક્રૂડ ઓઈલ સાથે સંકળાયેલ કંપનીઓના શેરમાં મસમોટા ગાબડા જોવા મળ્યાં છે અને ખાસ કરીને પેટ્રોરિફાઈનિંગના કારોબાર સાથે સંકળાયેલ શેર તૂટ્યાં છે.
સોમવારે ભારતીય બજારમાં એનર્જી કંપનીઓના શેરને મોટો આંચકો લાગ્યો હતો. BSE પર મેંગ્લોર રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સનો શેર 17 ટકા ઘટીને રૂ. 78.55, ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશનનો શેર 15 ટકા ઘટીને રૂ. 277.75 અને ઓઇલ ઇન્ડિયાનો શેર 8 ટકા ઘટીને રૂ. 233.40 થયો હતો.
બીજી તરફ ONGC, ગોવા કાર્બન, અદાણી ટોટલ ગેસ અને હિન્દુસ્તાન ઓઈલ એક્સપ્લોરેશનના શેર 5 થી 7 ટકાની નબળાઈ સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. S&P BSE એનર્જી ઇન્ડેક્સ 2.5 ટકા ઘટ્યો હતો.
બજાર નિષ્ણાંતોના મતે વિશ્વની મુખ્ય કેન્દ્રીય બેંકોના વ્યાજ દરોમાં વધારો કરવાના નિર્ણયોને ધ્યાનમાં રાખીને, રોકાણકારો વૈશ્વિક અર્થતંત્રમાં મંદી અને ઉર્જાની માંગમાં ઘટાડો થવાથી ડરતા હોય છે. તેનાથી તેલની માંગ ઘટી શકે છે, જેની અસર કિંમતો પર જોવા મળી રહી છે.