- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇ, તા.14
કેર હોસ્પિટલ ચેઈનને એવરકેર પાસેથી ખરીદવા માટે બ્લેકસ્ટોન, સીવીસી કેપિટલ, ટેમાસેક અને મેક્સ હેલ્થકેર સહિતના સ્ટ્રેટજીક અને ખાનગી ઇક્વિટી રોકાણકારો વાટાઘાટો કરી રહ્યાં છે. એવરકેર TPG ગ્રોથની કંપની છે.
કેર હોસ્પિટલ દેશની સૌથી મોટી હોસ્પિટલ ચેઇન પૈકીની એક છે. ભારતના વિવિધ શહેરોમાં 15 હોસ્પિટલોમાં કુલ 2400થી વધુ બેડનું સંચાલન કેર હોસ્પિટલ કરે છે. બાંગ્લાદેશમાં પણ તેઓ બે હોસ્પિટલ ધરાવે છે.
ઈચ્છુક રોકાણકારો દ્વારા બિડનો પ્રથમ રાઉન્ડ સોંપવામાં આવ્યો છે. બે-ત્રણ કંપનીઓને થોડા અઠવાડિયામાં શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ઇન્વેસ્ટમેન્ટ બેંકો રોથચાઇલ્ડ અને બાર્કલેઝ TPGને વેચાણ પ્રક્રિયા અંગે સલાહ આપી રહી છે.
કંપનીના ઈતિહાસ પર એક નજર :
હૈદરાબાદમાં કાર્ડિયાક હોસ્પિટલ તરીકે 1997માં કેર હોસ્પિટલ્સની શરૂઆત કરવામાં આવી હતી. 100 બેડ સાથે હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી હતી અને હાલમાં છ રાજ્યોમાં તેની કુલ 15 હોસ્પિટલો છે. બાંગ્લાદેશ અને ભારતમાં 30 ક્લિનિકલ સ્પેશ્યાલિટી ઓફર કરે છે. બાંગ્લાદેશમાં ઢાકામાં કેર હોસ્પિટલમાં 1000 બેડ છે.
જુલાઈમાં CAREએ ઈન્દોર સ્થિત CHL હોસ્પિટલને રૂ. 350 કરોડમાં હસ્તગત કરી હતી. આ સોદા સાથે તેમના બેડની સંખ્યામાં 250નો વધારો થયો છે.
TPG ગ્રોથની એવરકેરે 2018માં UAE સ્થિત અબ્રાજ ગ્રોથ માર્કેટ્સ હેલ્થ ફંડનો હેલ્થકેર પોર્ટફોલિયો હસ્તગત કર્યો હતો. તે કેર હોસ્પિટલ્સમાં અડધાથી વધુ હિસ્સો ધરાવે છે.
દેશની બીજી સૌથી મોટી ડીલ :
ભારતમાં હેલ્થકેર ઉદ્યોગ 2016થી 22% CAGR સાથે વધી રહ્યો છે. 2021 માટે નીતિ આયોગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2022માં આ સેક્ટર 372 અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. છે. માનવ વિકાસ રિપોર્ટ 2020 જણાવે છે કે બેડની ઉપલબ્ધતાના સંદર્ભમાં ભારત વિશ્વમાં 155મા ક્રમે છે. 10,000 લોકો દીઠ 8.6 ડોકટરો અને 5 બેડ જ ઉપલબ્ધ છે.
તાજેતરના PWC રિપોર્ટમાં જણાવાયું છે કે આગામી 20 વર્ષમાં ભારતને વધારાના 36 લાખ બેડ, 30 લાખ ડૉક્ટર્સ અને 60 લાખ નર્સોની જરૂર પડશે. આગામી 20 વર્ષમાં હોસ્પિટલ ઉદ્યોગમાં લગભગ 245 અબજ ડોલરનું રોકાણ કરવું પડશે.
આ Care Hospitals ડીલની વાત કરી તો મીડિયા અહેવાલ અનુસાર આ સોદો લગભગ 7,500 કરોડ રૂપિયામાં થઈ શકે છે. જો આ ડીલ પૂર્ણ થશે તો ભારતના હોસ્પિટલ સેક્ટરના ઈતિહાસની આ બીજી સૌથી મોટી ડીલ હશે. અગાઉ 2018માં IHH-ફોર્ટિસ ડીલ થઈ હતી, જે અત્યાર સુધીની સૌથી મોટી ડીલ છે.