- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે દેશના બેન્કિંગ ક્ષેત્રનું નાણાં વર્ષ ૨૦૨૨ માટેનું આઉટલુક ''નેગેટિવ''માંથી ''સ્ટેબલ'' કર્યું છે. લિક્વિડિટી ટેકા અને ઈમરજંસી ક્રેડિટ સપોર્ટ ખાસ કરીને માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ (એસએમઈ) ઉપક્રમોને ધિરાણમાં ટેકાને પરિણામે બેન્કિંગ ક્ષેત્રમાં કોરોનાને લગતી તાણનું સ્તર અપેક્ષા કરતા નીચે રહેતા એજન્સીનો આ મત આવી પડયો છે.
મૂડી ઊભી કરીને અને વધારાની જોગવાઈઓ દ્વારા બેન્કો પોતાની નાણાં સ્થિતિને મજબૂત કરી રહી છે એમ એજંસી દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે. નાણાં વર્ષ ૨૦૨૧ માટે ધિરાણ વૃદ્ધિનો અંદાજ જે અગાઉ ૧.૮૦ ટકા રખાયો હતો તે પણ સુધારીને ૬.૯૦ ટકા કરાયો છે.
આર્થિક વાતાવરણમાં સુધારો થતાં નાણાં વર્ષ ૨૦૨૨માં ધિરાણ વૃદ્ધિનો આંક ૮.૯૦ ટકા રહેવા ધારણાં મૂકવામાં આવી છે. સરકાર દ્વારા ઊંચા ખર્ચ ખાસ કરીને માળખાકીય વિકાસ પાછળના ઊંચા ખર્ચ પર સરકારના ભારને કારણે ધિરાણ વૃદ્ધિનો આંક ઊંચો રહેવા અપેક્ષા છે. વર્તમાન નાણાં વર્ષના અંતે દેશની બેન્કોની ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટસ (એનપીએ) ૮.૮૦ ટકા રહેવા ધારણાં મુકાઈ છે. આગામી નાણાં વર્ષમાં આ આંક વધીને ૧૦.૧૦ ટકા રહેશે.
નિયમનકારી ફેરબદલોને કારણે જાહેર ક્ષેત્રની બેન્કોની મૂડી ઊભી કરવાની ક્ષમતામાં વધારો થયો છે. નાણાં વર્ષ ૨૦૨૨ના ચોથા ત્રિમાસિક ગાળામાં જાહેર ક્ષેત્રની બેન્કોમાં રૂપિયા ૩૪૫૦૦ કરોડ ઠાલવવા સરકારે જોગવાઈ કરી છે. ટૂંકા ગાળાના વિકાસ માટે આ રકમ પૂરતી હોવાનો એજન્સીએ મત વ્યકત કર્યો હતો.