- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇ, તા.12
મુંબઈની ડીબી રિયલ્ટીનું અદાણી સમૂહની રિયલ્ટી કંપની અદાણી રિયલ્ટી સાથે મર્જર થઈ શકે છે તેવા મીડિયા અહેવાલ છે. ગોદરેજ પ્રોપર્ટીઝ સાથે ડીબી રિયલ્ટીની વાતચીત સફળ ન થતા અને ગોદરેજને રોકાણકારો તરફથી અનેક ફટકાર મળતા તેમણે સોદો માંડી વાળ્યો હતો. જોકે ફરી ડીબી રિયલ્ટીની અદાણી રિયલ્ટી સાથે મર્જરની અટકળો કંપનીમાં નવા પ્રાણ ફૂંકી શકે છે.
રિપોર્ટ અનુસાર ડીબી રિયલ્ટીને અનેક પ્રોજેક્ટ્સ માટે મોટી રકમની જરૂર છે. આ કારણે તેઓ પાર્ટનરની શોધમાં છે. ગોદરેજ સાથેની ચર્ચા પાટે ચઢ્યા બાદ ઉતરી જતા હવે તેઓ અદાણી રિયલ્ટી સાથે ચર્ચા કરી રહ્યાં છે. ડીબી રિયલ્ટીમાં વિનોદ ગોયેન્કા ફેમિલી, બાલવા ફેમિલી અને અન્ય પ્રમોટર પાસે કંપનીમાં 69% હિસ્સો છે.
આ મર્જરની પ્રક્રિયા રિયલ એસ્ટેટ ક્ષેત્રની સૌથી મોટી ડીલ પૈકીની એક બની શકે છે. અહેવાલ અનુસાર સોદો પૂર્ણ થયા બાદ અદાણી રિયલ્ટી માર્કેટમાં લિસ્ટ થઈ શકે છે. ડીબી રિયલ્ટીને અદાણી રિયલ્ટી સાથે મર્જ કરવામાં આવશે ત્યારે તેનું નામ અદાણી રિયલ્ટી હશે. ડીબી રિયલ્ટી ભારતીય બજારમાં લિસ્ટેડ છે એટલે કે મર્જર પછી અદાણી રિયલ્ટી આપોઆપ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં લિસ્ટ થઈ જશે. માહિતી અનુસાર અદાણી ડીબી રિયલ્ટીમાં રોકાણ કરી શકે છે એટલે કે નવા શેર જારી કરવામાં આવશે.