- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી : બજેટમાં ટીડીએસ અંગે કરવામાં આવેલી જોગવાઈને પરિણામે સિનિયર સિટીઝનની વ્યાજની આવકમાંથી વધુ રકમ ટીડીએસ-ટેક્સ ડિડક્શન એટ સોર્સ થઈ જવાનો શક્યતા નિર્માણ થઈ છે. પહેલી જુલાઈથી નવો નિયમ લાગુ કરવામાં આવશે. કેન્દ્રના બજેટમાં આ નવા નિયમની જાહેરાત કરવામાં આવી છે. સિનિયર સિટીઝનની વ્યાજની આવક રૂા. ૪૦,૦૦૦થી વધુ ૧૦ ટકાના દરે અને સુપર સિનિયર સિટીઝનની વાર્ષિક વ્યાજની આવક રૂા. ૫૦,૦૦૦થી વધુ હોય તેવા કિસ્સાઓમાં ૨૦ ટકાના દરે ટીડીએસ થઈ શકે છે. સુપર સિનિયર સિટીઝનના કેસમાં અત્યારે ૧૦ ટકાના દરે અને સિનિયર સિટીઝનના કેસમાં અત્યારે ૫ ટકાના દરે ટીડીએસ કરવામાં આવે છે.
જૂની જોગવાઈ મુજબ સુપર સિનિયર સિટીઝન એટલે કે ૮૦ વર્ષથી મોટી વયના નાગરિકો પાંચ લાખની વાર્ષિક વ્યાજની આવક ધરાવતા હોય તો તેમણે આવકવેરાનું રિટર્ન ભરવાનું આવતું નથી. જોકે પહેલી જુલાઈથી અમલમાં આવી રહેલા નવા નિયમ હેઠળ કોઈ જ અપવાદ આપવામાં આવ્યો નથી. તેમાં આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવાને પાત્ર ન હોય તેવી વ્યક્તિ અંગે કોઈ જ ફોડ પાડીને સૂચના આપવામાં આવેલી નથી. આ અપવાદ પૂરો ન પાડવામાં આવ્યો હોવાથી બૅન્ક સુપર સિનિયર સિટીઝનની વ્યાજની આવકમાંથી વધુ ઊંચા દરે ટીડીએસ કરે તેવી સંભાવના રહેલી છે. સુપર સિનિયર સિટીઝન બહુધા તેમના રોકાણના નાણાં બૅન્કની ડિપોઝિટ્સમાં જ મૂકતા હોવાનું જોવા મળે છે.
આવકવેરાના કાયદામાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ જે કરદાતાની આવક વેરા માફીની મર્યાદા કરતાં ઓછી હોય તો તેમણે આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવું જરૂરી નથી. આ જ રીતે વર્ષે રૂા. ૫ લાખની આવક ધરાવતા સુપર સિનિયર સિટીઝને આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવાનું થતું નથી. અંદાજપત્રના માધ્યમથી કરવામાં આવેલી નવી જોગવાઈમાં કોઈ જ અપવાદ મૂકવામાં આવ્યો નથી. તેથી ટીડીએસ અંગેની દરખાસ્ત મુજબ બૅન્ક ડિપોઝિટના વ્યાજની આવક પર કરવામાં આવતા ટીડીએસની ટકાવારી પાંચ હોય તો તેનાથી બમણા અથવા તો ૫ ટકા, બેમંથી જે વધુ હોય તે પ્રમાણે ટીડીએસ કરી લેવાશે. જે કરદાતાએ છેલ્લા બે નાણાંકીય વર્ષમાં રિટર્ન ફાઈલ ન કર્યું હોય અને તેની આવકમાંથી છેલ્લા બે નાણાંકીય વર્ષમાં રૂા. ૫૦,૦૦૦થી વધુ રકમનો ટીડીએસ કરવામાં આવ્યો હોય તેવાના કિસ્સામાં બમણો ટીડીએસ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે.
ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો કોશિક શાહ નામના એક કરદાતા સુપર સિનિયર સિટીઝનની કેટેગરીમાં આવે છે. તેની ચાલુ નાણાંકીય વર્ષના આગળના બે વર્ષમાં વાર્ષિક વ્યાજની આવક રૂા. ૫ લાખની હતી. બંને વર્ષે તેની આવકમાંથી આવકવેરા ધારાની કલમ ૧૯૪ - એ ની જોગવાઈ મુજબ રૂા. ૫૦,૦૦૦નો ટીડીએસ કરવામાં આવ્યો હતો. તેની આવક વેરામુક્તિની મહત્તમ મર્યાદાથી ઓછી હોવાથી તેમણે આવકવેરાનું રિટર્ન ભરવાનું આવતું જ નહોતુ. હવે ચાલુ નાણાંકીય વર્ષમાં કલમ ૨૦૬-એબીમાં કરવામાં આવેલી જોગવાઈ હેઠળ તેમની આવકમાંથી ૧૦ ટકાન ેબદલે ૨૦ ટકાના દરે ટીડીએસ કરવામાં આવશે. ફોર્મ ૧૫જી અથવા ૧૫ એચ સુપરત કરીને કોઈપણ કરદાતા ટીડીએસ થતો અટકાવી શકે છે.
૬૦ વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝને ફોર્મ ૧૫એચ આપવાનું આવે છે. ફોર્મ ૧૫એચ કે ૧૫જી ફાઈલ કરનારાઓની વ્યાજની આવકમાંથી ટીડીએસ નહિ કરવામાં આવે તેવી પણ છેલ્લા બજેટમાં કરવામાં આવેલી જોગવાઈના માધ્યમથી કરવામાં આવી નથી.
ટીડીએસ અંગેના નવા નિયમોમાં ફોર્મ ૧૫ એચ કે ૧૫જી ભરવાથી ટીડીએસ નહિ કરવામાં આવે તેવી કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેથી જ બૅન્કો તેમની વ્યાજની આવકમાંથી ૨૦ ટકાના દરે ટીડીએસ કરે તેવી સંભાવના છે. બીજી તરફ સરકારે નવો નિયમ કરીને ૭૫ વર્ષથી મોટી વયના સિનિયર સિટીઝન્સે માત્ર પેન્શનની જ આવક ધરાવતા હોય અને ચોક્કસ બૅન્કમાં જ ખોલાવેલા ખાતામાંથી વ્યાજની આવક થતી હોય તેવા સિનિયર સિટીઝન (૭૫ વર્ષથી મોટા એ પણ આવકવેરાનું રિટર્ન ફાઈલ જ ન કરવું તેવો પણ નિયમ કર્યો છે. આ પ્રકારના કિસ્સામાં શું થશે તે અંગે પણ સ્પષ્ટતા થતી નથી.