- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : આવકવેરા વિભાગની વેબસાઈટ 1થી 6 જૂન સુધી બંધ રહેશે જેથી આવકવેરો ભરવા માંગતા લોકો પોતાનું રિટર્ન દાખલ નહીં કરી શકે. આવકવેરા વિભાગ 7 જૂનના રોજ રિટર્ન ફાઈલ કરવા માટે નવી વેબસાઈટ લોન્ચ કરશે. આવકવેરા વિભાગે રવિવારે જણાવ્યું કે, કેટલાક ટેક્નિકલ ફેરફાર સાથે રિટર્ન ફાઈલ કરવા માટેની નવી વેબસાઈટ લોન્ચ કરવામાં આવી રહી છે. આ કારણે વર્તમાન વેબસાઈટ incometaxindiaefiling.gov.in ને 1 જૂનથી 6 દિવસ માટે બંધ કરવામાં આવશે.
કરદાતાઓ માટે નવી વેબસાઈટ incometaxgov.in આગામી 7 જૂન, 2021થી સક્રિય થઈ જશે. આવકવેરા વિભાગે ટ્વીટમાં લખ્યું હતું કે, નવી વેબસાઈટ કરદાતાઓ માટે વધુ સુવિધાજનક રહેશે. તેમાં અનેક નવા ફીચર્સ જોડવામાં આવ્યા છે. જૂનુ પોર્ટલ આવકવેરા વિભાગના અધિકારીઓ માટે પણ બંધ રહેશે અને નવું પોર્ટલ ચાલુ થયાના 3 દિવસ બાદ એટલે કે 10 જૂનથી તેઓ આવકવેરા કેસની સુનાવણી કરી શકશે.
નવા પોર્ટલથી નોટિસ, સમન મોકલી શકાશે
વિભાગે જણાવ્યું કે, નવા પોર્ટલ પર કરદાતાઓને પહેલેથી ભરેલા રિટર્ન ફોર્મ મળશે. સાથે જ કર અધિકારીઓ તેના દ્વારા નોટિસ અને સમન મોકલવા સાથે કરદાતાઓના સવાલના જવાબ પણ આપી શકશે. નાણાં મંત્રાલયે 2020-21 માટે રિટર્ન ફાઈલ કરવાની અવધિ લંબાવીને 30 સપ્ટેમ્બર કરી દીધી છે.