- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી : ડિસેમ્બર ક્વાર્ટર માટે એડવાન્સ ટેક્સ ક્લેક્શન વાર્ષિક તુલનાએ 90 ટકા વધીને રૂ. 94,107 લાખ કરોડ નોંધાયુ છે જે કંપનીઓની કમાણીમાં વૃદ્ધિની સાથે અર્થતંત્રમાં રિકવરીના સંકેત આપે છે. વર્ષ પૂર્વેના સમાન કવાર્ટરમાં કુલ રૂ. 49,536 કરોડનો એડવાન્સ ટેક્સ ચૂકવાયો હતો.
ચાલુ ત્રિમાસિક માટે કોર્પોરેટ કંપનીઓએ રૂ. 54,445 કરોડના એડવાન્સ ટેક્સની ચૂકવણી કરી છે જે વર્ષ પૂર્વેના રૂ. 31,107 કરોડની તુલનાએ 75 ટકા વધારે છે. તો પર્સનલ ઇન્કમ ટેક્સની ચૂકવણી 115 ટકા વધીને રૂ. 39,662 કરોડ રહી છે.
નિષ્ણાંતોનું કહેવુ છે કે, એડવાન્સ ટેક્સ પેમેન્ટનો આંકડો વધી શકે છે કારણ હજી બેન્કો તરફથી માહિતીની રાહ જોવાઇ રહી છે. સેમિકન્ડક્ટરથી પરેશાન ઓટોમોબાઇલ સેક્ટરને બાદ કરતા મોટાભાગના ક્ષેત્રો માટે ત્રીજું ક્વાર્ટર અત્યાર સુધી પ્રોત્સાહક રહ્યુ છે, તેથી એડવાન્સ ટેક્સ ક્લેક્શનમાં વધારે વૃદ્ધિ થઇ છે. દેશમાં માસિક જીએસટી ક્લેક્શન પણ સતત વધી છે જે સારી બાબત છે.
ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-ડિસેમ્બર સમયગાળામાં કુલ એડવાન્સ ટેક્સ કલેક્શન 16 ડિસેમ્બર રોજ સુધી રૂ.3.45 લાખ કરોડ નોંધાયુ છે, જે અગાઉના વર્ષના રૂ.2.08 લાખ કરોડની સામે 65.5 ટકા વધારે છે. જેમાં કોર્પોરેટ ટેક્સનો હિસ્સો રૂ. 2.50 લાખ કરોડ છે, જે વર્ષ પૂર્વેના રૂ. 1.60 લાખ કરોડની તુલનાએ 55% વધારે છે. તો પર્સનલ ઇન્કમ ટેક્સ પેમેન્ટ ગત વર્ષના રૂ. 47,865 કરોડથી 98% વધીને રૂ. 97,719 કરોડ થયુ છે.
રિફંડ બાદ પ્રત્યક્ષ કર વસૂલાત 16 ડિસેમ્બર સુધી 67 ટકા વધીને રૂ. 8.29 લાખ કરોડ થઇ છે જે વર્ષ પૂર્વે રૂ. 4.95 લાખ કરોડ હતી. અલબત્ત ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ ટેક્સ રિફંડ 7.5 ટકા ઘટીને રૂ. 1.35 લાખ કરોડ રહ્યુ છે જે વર્ષ પૂર્વે રૂ. 1.46 લાખ કરોડ હતુ.
કુલ કર વસૂલાત વાર્ષિક તુલનાએ 50 ટકા વધીને રૂ. 9.64 લાખ કરોડ રહી છે જ્યારે પાછલા વર્ષે સમિક્ષાધીન સમયગાળા સુધીમાં રૂ. 6.41 લાખ કરોડની વસૂલાત થઇ હતી.
સીબીડીટીએ જણાવ્યુ છે કે, નવા ઇ-ફાઇલિંગ પોર્ટલ પર અત્યાર સુદી 3.59 કરોડ આઇટી રિટર્ન ફાઇલ થયા છે. દેશમાં દૈનિક આઇટી રિટર્નની સંખ્યા વધીને હાલ 6 લાખે પહોંચી ગઇ છે અને 31 ડિસેમ્બર રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ છે.