- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇઃ નાના થાપણદારોને બેન્કમાં થાપણોમાંથી થતી વ્યાજરૂપી આવકમાં નુકસાન થઇ રહ્યુ છે. આથી વ્યાજની કમાણી પર લાગતા ટેક્સ સંબંધિત નિર્ણયોની સમીક્ષા કરવાની જરૂર છે એવુ દેશની સૌથી મોટી જાહેર ધિરાણકર્તા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)ના અર્થશાસ્ત્રીઓએ જણાવ્યુ છે. વર્તમાનમાં બેન્કો તમામ થાપણદારોની 40 હજાર રૂપિયાથી વધારે વ્યાજની કમાણી પર ટેક્સ ડિડક્શન એટ સોર્શ (ટીડીએસ) કાપે છે.
સિનિયલ સિટીઝનને રાહત મળવી જોઇએ
સૌમ્ય કાંતિ ઘોષના નેતૃત્વમાં અર્થશાસ્ત્રીઓ દ્વારા લખાયેલા એક રિપોર્ટમાં તેની માહિતી આપવામાં આવી છે. તેમાં જણાવ્યુ છે કે, જો તમામ થાપણદારો માટે સંભવ ન હોય તો ઓછામાં ઓછા સિનિયર સિટીઝનોને તેમના દ્વારા બેન્કમાં જમા કરાયેલી રકમ પર લાગતા ટેક્સની સમીક્ષા કરવી જોઇએ. કારણ કે, તેઓ પોતાની રોજીંદી જરૂરિયાતો માટે આ વ્યાજ કમાણી પર નિર્ભર હોય છે. સમગ્ર બેન્કિંગ સિસ્ટમમાં રિટેલ થાપણદારોના કુલ મળીને 102 લાખ કરોડ રૂપિયા જમા છે.
થાપણદારો થઇ રહ્યા છે પ્રભાવિત
હાલ બેન્કો તમામ થાપણદારોની માટે 40,000 રૂપિયાથી વધારે વ્યાજની કમાણી જમા કરતા સમયે ટીડીએસ કાપે છે, જ્યારે સિનિયર સિટીઝનની માટે વાર્ષિક 50,000 રૂપિયાની વ્યાજની કમાણી પર ટીડીએસ કાપવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે, હાલ બેન્કિંગ સિસ્ટમમાં વ્યાજદરો અત્યંત ઘટી ગયા છે ત્યારે થાપણદારોની વ્યાજરૂપી કમાણી પણ ઓછી થઇ ગઇ છે.
વ્યાજદર વધવાની હાલ કોઇ સંભાવના નથી
રિપોર્ટમાં જણાવ્યુ છે કે, બેન્ક થાપણો પર મળતા વ્યાજનો વાસ્તવિક દર એક લાંબા સમય સુધી નકારાત્મક રહ્યા છે અને રિઝર્વ બેંકે એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે, પ્રાથમિક લક્ષ્ય વિકાસમાં મદદ કરવાનું છે, વ્યાપક તરલતા જળવાઇ રહેતા બેન્કોના વ્યાજદર નજીકના ભવિષ્યમાં વધવાની સંભાવના નથી. પુરતી તરલતાના લીધે બેન્કો નફાને લઇને ઘણુ દબાણ અનુભવી રહી છે.