- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી: પેન્શન ફંડ નિયામક અને વિકાસ પ્રાધિકરણ (PFRDA)એ અટલ પેન્શન સ્કીમ (APY) અને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અંગે ડેટા જારી કર્યા છે. આ હેઠળ 31 જાન્યુઆરી 2021 સુધી આ યોજનાઓમાં જોડાનાર લોકોની સંખ્યામાં 22 ટકાનો વધારો થયો છે. આ સાથે નેશનલ પેન્શન સિસ્ટમ (NSP) હેઠળ વિવિધ યોજનાઓમાં સબ્સ્ક્રાઈબર્સની સંખ્યા વધીને 4.05 કરોડ સુધી પહોંચી ગઈ છે. આ વર્ષ અગાઉના સમયગાળામાં બન્ને યોજનાઓ સાથે જોડાનાર સબ્સ્ક્રાઈબર્સની સંખ્યા 3.33 કરોડ હતી.
PFRDA અનુસાર, 31 જાન્યુઆરી 2021 સુધી કુલ પેન્શન એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) 5.56 લાખ કરોડ રૂપિયા રહી જે વાર્ષિક આધારે 35.94 ટકા વૃદ્ધિ દર્શાવે છે. અટલ પેન્શન યોજના હેઠળ સબ્સ્ક્રાઈબર્સની સંખ્યા જાન્યુઆરી 2021માં 31.17 ટકા વધીને 2.65 કરોડ પહોંચી ગઈ, જે એક વર્ષ પહેલા આ દરમિયાન 2.02 કરોડ હતી.
NSP હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓની સંખ્યા જાન્યુઆરી 2021માં 3.74 ટકા વધીને 21.61 લાખ રહી, જ્યારે રાજ્ય સરકારના કર્મચારીઓના આધારે 7.44 ટકા વધીને 50.43 લાખ રહી. NSP હેઠળ તમામ નાગરિક શ્રેણીમાં સબ્સ્ક્રાઈબર્સની સંખ્યા 31.72 ટકા વધીને 14.95 લાખ, જ્યારે કોર્પોરેટ સેક્ટરમાં 17.71 ટકા વધીને 10.90 લાખે પહોંચી છે.
કોરોના મહામારીને જોતા PFRDAએ હાલમાં જ નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ ખાતુ ખોલવા, ખાતામાંથી પૈસા કાઢવા અને ખાતુ બંધ કરવા સહિત અન્ય કામો માટે વીડિયો બેસ્ડ કસ્ટમર આઈડેન્ટિટી પ્રોસેસ (વીડિયો KYC)ની પરવાનગી આપી છે.
અટલ પેન્શન યોજના હેઠળ 60 વર્ષની ઉંમરે દર મહિને 1000થી લઈને 5000 રૂપિયાનું પેન્શન મળે છે. આમાં 18 વર્ષથી 40 વર્ષ સુધીના વ્યક્તિ આમાં રોકાણ કરી શકે છે. કોઈ વ્યક્તિ આ સ્કીમને લે તો તેણે ઓછામાં ઓછા 20 વર્ષ રોકાણ કરવું પડે છે. સ્કીમમાં સામેલ થવા માટે સેવિંગ બેન્ક અકાઉન્ટ, આધાર અને એક્ટિવ મોબાઈલ નંબપ હોવો જરૂરી છે. 1થી 5 હજાર રૂપિયા પ્રતિ માસ પેન્શન લેવા માટે સબ્સ્ક્રાઈબરને 42થી 210 રૂપિયા પ્રતિ માસ સુધી ચૂકવણી કરવી પડે છે.
નેશનલ પેન્શન સ્કીમમાં 18થી 60 વર્ષ સુધી કોઈ પણ વ્યક્તિ સામેલ થઈ શકે છે. કોઈ પણ વ્યક્તિ પોતાના કાર્યરત જીવન દરમિયાન પેન્શન ખાતામાં નિયમિત રૂપે યોગદાન આપી શકે છે. ભેગા થયેલા નાણાના એક હિસ્સાને તે એક વારમાં ઉપાડી પણ શકે છે અને વધેલી રકમનો ઉપયોગ રિટાયરમેન્ટ પછી નિયમિત આવક મેળવવા માટે કરી શકે છે.