- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ ટર્મ ડિપોઝીટની પાકતી મુદ્દત પુરી થયા પછી પણ બેન્કોમાં પડી રહેલી રકમ પર મળતા વ્યાજ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. આ નિયમોમાં સુધારણા પછી ડિપોઝીટર્સે વધુ ચેતતા રહેવું પડશે.
શું છે નવો નિયમ?
RBIએ 2 જુલાઇના રોજ બહાર પાડેલી સૂચનામાં રિવ્યુ ઓફ ઈન્સ્ટ્રક્શન્સ ઓન ઈન્ટરેસ્ટ ઓવરડ્યૂ ડોમેસ્ટિક ડિપોઝીટ્સ નામે કહ્યું છે કે જો પાકતી મુદત પૂર્ણ થયા પછી પણ ટર્મ ડિપોઝિટની રકમ ઉપાડવામાં કે રિન્યુઅલ કરવામાં ન આવે તો બચત ખાતા પર મળતા વ્યાજ દર જેટલું કે ટર્મ ડિપોઝીટ કરાવતી વખતે નક્કી કરેલ દરે અથવા બેમાંથી જે પણ ઓછું હોય તેટલું વ્યાજ મળશે. જૂના નિયમો અનુસાર, પાકતી મુદત પછી પણ બેંકોમાં પડેલી રકમ બચત થાપણો પર ઉપલબ્ધ વ્યાજ જેટલું જ મળશે. આરબીઆઈની સૂચના મુજબ, નવા નિયમ તમામ બેન્કો (ક્ષેત્રીય ગ્રામીણ બેન્ક), સ્મોલ ફાઈનાન્સ બેન્ક, સ્થાનીક ક્ષેત્રીય બેન્ક અને તમામ સહકારી બેન્કો (શહેરી, જિલ્લા તેમ જ રાજ્ય સ્તરે) પર લાગુ પડશે.
આ નિયમ કેમ?
નાણાકીય વર્ષ 2018માં 14,307 કરોડ રૂપિયા બેંકોમાં જમા થયા હતા, જેના માટે ગ્રાહકોએ દાવો કર્યો ન હતો. નાણાકીય વર્ષ 2019ના અંતે આ રકમ વધીને 18,380 કરોડ રૂપિયા થઈ ગઈ. ડીએસકે લીગલના સહયોગી ભાગીદાર અવિનાશ કહે છે કે, આરબીઆઈએ બેંકોના આવા ભંડોળ વધી ગયા બાદ નિયમોમાં સુધારો કરવો પડ્યો હતો.
બેંકોમાં આવા નાણાંનો સંગ્રહ થવો નવી વાત નથી. બેંકબજારના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) આદિલ શેટ્ટી કહે છે કે, ગ્રાહકોએ બેન્કને જણાવવું જોઈએ કે તેઓ પાકતી મુદત પછી નાણાંનું શું કરશે. ઉદાહરણ તરીકે, એફડીના કિસ્સામાં ગ્રાહકે સૂચનો સાથે કાઉન્ટર-સાઈન કરેલી એફડી રસીદ આપવી પડશે. જો તમે આ ન કરો તો મેચ્યોરિટી પછી પણ એફડી બેંકોમાં જમા રહે છે અને નિયત નિયમો અનુસાર તેના પર વ્યાજ મળે છે.
ઓછું વ્યાજ
બેંકો પાસે હવે અવેતન રકમ પર વ્યાજ નક્કી કરવા માટે બે વિકલ્પો છે. શેટ્ટી કહે છે કે, તેઓએ બચત બેંક વ્યાજ દર અને ટર્મ ડિપોઝીટ શરૂ કરવા પર નક્કી કરેલા દર વચ્ચે પસંદગી કરવી પડશે. કેટલીક બેંકોમાં ટૂંકા ગાળા, સામાન્ય રીતે 90 દિવસથી ઓછી અવધુની થાપણ પર વ્યાજ બચત બેન્ક ખાતાની સરખામણીએ ઓછું મળે છે. આરબીઆઈના નવા નિર્દેશ પછી આવી થાપણો પર વળતર બચત બેંક ખાતાઓ પરના વ્યાજ કરતા ઓછું હશે.
નોમિનીને પણ હોય જાણકારી
જો કોઈ ગ્રાહક 10 વર્ષ કે તેથી વધુ સમય સુધી કોઈ ખાતામાં ટ્રાન્ઝેકશન કરતો નથી, તો તે ખાતામાં જમા થયેલી રકમ 'અનક્લેમડ ડિપોઝિટ' અથવા દાવા વગરની રકમ બની જાય છે. ચાલુ અને બચત ખાતાઓ અને મુદત થાપણો બધા તેનો ભાગ બની શકે છે. શેટ્ટી કહે છે કે, દાવા વગરની થાપણો ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ (DEA) ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ત્યાંથી પૈસા સરકારી સિક્યોરિટીઝ વગેરેમાં રોકવામાં આવે છે. આ રોકાણનું નિરીક્ષણ આરબીઆઈ દ્વારા રચાયેલી સમિતિ દ્વારા કરવામાં આવે છે. આ રોકાણમાંથી મળેલી રકમ થાપણો પર વ્યાજ ચૂકવણી અને રોકાણકાર જાગૃતિ અભિયાન પર ખર્ચવામાં આવે છે.
ખાતામાં રકમ જમા રહેવાનું એક કારણ એ પણ હોય છે કે ખાતાધારકના કાયદાકીય વારસાદારને આ વાતની જાણકારી નથી હોતી. જેથી જો તમારી રકમ બેન્કમાં જમા થાય છે તો તેની અને તમારી વીમા પોલિસીઓ અને અન્ય તમામ રોકાણની સૂચના પોતાના પર આશ્રિત લોકો ખાસકરીને નોમિની વ્યક્તિ અને કાનુની વારસદારને જરૂર આપવામાં આવે. એ પણ જણાવવું ન ભૂલવું કે જરૂરી દસ્તાવેજ ક્યાં રાખવામાં આવ્યા છે જેથી જરૂર પડ્યો તાત્કાલિક તેનો ઉપયોગ કરી શકાય. પોતાના ફિક્સ્ડ ડિપોઝીટની પાકતી મુદ્દત પર પણ નજર રાખવામાં આવે. હકીકતમાં, ફિક્સ્ડ ડિપોઝીટ બનાવતી વખતે તેના નવીનીકરણ માટે જરૂરી નિર્દેશ આપવાનું ન ભૂલાય.