- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી: હવે પ્રાવિડન્ટ ફંડ(પીએફ)માં વાર્ષિક ૨.૫ લાખ રૃપિયાથી વધુ ફાળો જમાં કરાવવામાં આવશે તો વાર્ષિક ૨.૫ લાખ રૃપિયાથી વધુ ફાળાની રકમ પર મળતા વ્યાજની રકમ પર ટેક્સ વસૂલ કરવામાં આવશે. એટલે કે પ્રોવિડન્ટ ફંડમાં વાર્ષિક ૨.૫ લાખ રૃપિયાથી વધુ રકમના ફાળા પર મળતા વ્યાજ પર ટેક્સ ચુકવવો પડશે. ૨૦૨૧-૨૨ના બજેટમાં સિતારમને આ અંગેની જાહેરાત કરી હતી. આવકવેરા વિભાગના સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ(સીબીડીટી) દ્વારા પ્રોવિડન્ટ ફંડના વ્યાજ પર ટેક્સની ગણતરી માટેના નિયમો જાહેર કર્યા છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આવકવેરા વિભાગ દ્વારા નોટિફિકેશન જારી કરવામાં આવ્યા પછી પીએફમાં જમા રકમ પર મળતા વ્યાજ પર ટેક્સ વસૂલ કરવામાં આવશે કે નહીં તે અંગેની તમામ અટકળોનો અંત આવી ગયો છે.
આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર કંપની દ્વારા કર્મચારીના પીએફ ખાતામાં કોઇ ફાળો જમા કરાવવામાં આવતો ન હોય તો તેવા કિસ્સામાં વાર્ષિક ૨.૫ લાખ રૃપિયાના વાર્ષિક ફાળાને બદલે વાર્ષિક પાંચ લાખ રૃપિયાથી વધુ ફાળો જમા કરાવવામાં આવશે તો પાંચ લાખ રૃપિયાથી વધુની રકમના રોકાણ પર ટેક્સ વસૂલ કરવામાં આવશે.
જો કે નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ૯૩ ટકા પીએફ ખાતાધારકોમાં વાર્ષિક ૨.૫ લાખ રૃપિયાથી વધુ ફાળો જમા થતો ન હોવાથી નવા નિયમથી તેમને કોઇ ફેર પડતો નથી અને તેમને ટેક્સ ફ્રી વ્યાજ મળતો રહેશે. જેના કારણે નાના અને મધ્યમ કદના કરદાતાઓને આ નવા નિયમથી કોઇ ફેર પડશે નહીં.