- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇઃ કોરોના મહામારીથી સર્જાયેલા નાણાં ભીંસની અસર વીમા કંપનીઓના પ્રીમિયમ ક્લેક્શન ઉપર પણ જોવા મળી રહી છે. મે મહિનામાં વાર્ષિક તુલનાએ 24 જીવન વીમા કંપનોના ન્યુ બિઝનેસ પ્રીમિયમમાં વાર્ષિક તુલનાએ 5.5 ટકાનો ઘટાડો નોંધાયો છે.
મે મહિનામાં લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીએ ન્યુ બિઝનેસ પ્રીમિયમ પેટે 12,976.99 કરોડ મેળવ્યા છે જ્યારે વર્ષ પૂર્વેના સમાન મહિનામાં આ પ્રીમિયમ ક્લેક્શન 13,739 કરોડ રૂપિયા નોંધાયુ હતુ.
મે મહિનામાં ન્યુ બિઝનેસ પ્રીમિયમમાં ઘટાડો એ એપ્રિલમાં ગત વર્ષના લો-બેઝ ઇફેક્ટને પગલે થયેલ વૃદ્ધિ બાદ આવ્યો છે. એપ્રિલમાં જીવન વીમા કંપનીઓનું પ્રીમિયમ ક્લેક્શન 44.76 ટકા વધ્યુ હતુ. ન્યુ બિઝિનેસ પ્રીમિયમ એ ચોક્કસ વર્ષ માટે નવી પોલિસીઓમાંથી મેળવેલા પ્રીમિયમની રકમ છે.
ખાનગી વીમા કંપનીઓનું ન્યુ બિઝનેસ પ્રીમિયમ મે મહિનામાં વાર્ષિક તુલનાએ 14 ટકા વધ્યુ છે જ્યારે જાહેર ક્ષેત્રની એલઆઇસીનું પ્રીમિયમ ક્લેક્શન 12.3 ટકા ઘટ્યુ છે.
દેશની 23 ખાનગી વીમા કંપનીઓએ મે મહિનામાં 4029.35 કરોડનું ન્યુ બિઝનેસ પ્રીમિયમ મેળવ્યુ છે જે વર્ષ પૂર્વેના સમાન મહિનામાં 3527.48 કરોડ રૂપિયા હતુ. તે મે-2019માં આ પ્રીમિયમ ક્લેક્શન 4917.34 કરોડ રૂપિયા નોંધાયુ હતુ.
બીજી બાજુ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીનું ન્યુ બિઝનેસ પ્રીમિયમ ગત વર્ષના લો બેઝ ઇફેક્ટ વચ્ચે પણ મે મહિનામાં ઘટ્યુ છે. મે મહિનામાં એલઆઇસીએ 8947.64 કરોડ રૂપિયાનું ન્યુ બિઝનેસ પ્રીમિયમ મેળવ્યુ છે જે મે-2020માં 10,211 કરોડ રૂપિયા અને મે-2019માં 13,496 કરોડ રૂપિયા હતુ.
ઉલ્લેખનિય છે કે, ચાલુ નાણાંકીય વર્ષ 2022માં અત્યાર સુધી ખાનગી વીમા કંપનીઓએ ન્યુ બિઝનેસ પ્રીમિયમ વાર્ષિક તુલનાએ 33.53 ટકા વધીને 8911.38 લાખ કરોડ અને એલઆઇસીનું માત્ર 0.08 ટકા વધીને 13,804 કરોડ રૂપિયા નોંધાયું છે.