- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : ભારતના સૌથી મોટા આઈપીઓની તૈયારી કરી રહેલ એલઆઈસીની આવકમાં મસમોટો ઘટાડો જોવા મળ્યો છે. ડિસેમ્બર મહિનામાં જીવન વીમા નિગમ(LIC)ની નવી બિઝનેસ પ્રીમિયમ આવકમાં 20 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. ગત મહિને એલઆઈસીનું નવું બિઝનેસ પ્રીમિયમ કલેક્શન 20.30 ટકા ઘટીને રૂ. 11,434.13 કરોડ થયું હતું.
સામે પક્ષે દેશમાં કાર્યરત અન્ય બાકીની 23 જીવન વીમા કંપનીઓની પ્રીમિયમ આવક ડિસેમ્બર 2021માં 29.83 ટકા વધીને રૂ. 13,032.33 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં આ આવક રૂ. 10,037.72 કરોડ હતી.
ડિસેમ્બર 2021માં જીવન વીમા કંપનીઓની નવી પોલિસી પ્રીમિયમ આવક રૂ. 24,466.46 કરોડ રહી છે, જે લગભગ એક વર્ષ અગાઉના સમાન સ્તરે હતી. શુક્રવારના રોજ ડિસેમ્બરના ડેટા જાહેર કરતા, વીમા નિયમનકાર ઈરડા(IRDA)એ જણાવ્યું હતું કે ડિસેમ્બર 2020માં રૂ. 24,383.42 કરોડનું પ્રીમિયમ જમા થયું હતું.
ખાનગી વીમા કંપનીઓમાં એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઇફની નવી પ્રીમિયમ આવક 55.67 ટકા વધીને રૂ. 2,973.74 કરોડ થઈ છે. એસબીઆઈ લાઇફની નવી પ્રીમિયમ આવક 26.72 ટકા વધીને રૂ. 2,943.09 કરોડ થઈ છે. જોકે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફની નવી પ્રીમિયમ આવક ડિસેમ્બર 2020ની સરખામણીએ 6.02 ટકા ઘટીને રૂ. 1,380.93 કરોડ થઈ છે. એ જ રીતે કોટક મહિન્દ્રા લાઇફ, એગોન લાઇફ, ફ્યુચર જનરલીની નવી પ્રીમિયમ આવકમાં પણ ઘટાડો થયો છે.
એકંદરે તમામ જીવન વીમા કંપનીઓનું પ્રથમ વર્ષનું પ્રીમિયમ એપ્રિલ-ડિસેમ્બર 2021માં 7.43 ટકા વધીને રૂ. 2,05,231.86 કરોડ થયું છે. આ સમયગાળા દરમિયાન એલઆઈસીની નવી પ્રીમિયમ આવક 3.07 ટકા ઘટીને રૂ. 1,26,015.01 કરોડ થઈ હતી.