- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
મુંબઈ : કોરોના મહામારીને કારણે ભારતીય જીવન વીમા નિગમ (LIC)ની વ્યક્તિગત અને ગૃપ પોલિસીના કુલ વેચાણમાં ઘટાડો થયો છે. એલઆઈસી દ્વારા દાખલ કરવામાં આવેલા પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (LIC IPO) દસ્તાવેજો અનુસાર દેશની અગ્રણી વીમા કંપનીની વ્યક્તિગત અને ગૃપ પોલિસીનું વેચાણ નાણાકીય વર્ષ 2019-20માં 16.76 ટકા ઘટીને 6.24 કરોડ થયું હતું, જે નાણાકીય વર્ષ 2018-19માં 7.5 કરોડ હતું. નાણાકીય વર્ષ 2020-21માં આ આંકડો 15.84 ટકા ઘટીને 5.25 કરોડ થઈ ગયો છે.
મહાકાય વીમા કંપનીએ કહ્યું છે કે કોરોના મહામારી અને તેના કારણે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે 2019-20ના ચોથા ત્રિમાસિકગાળામાં વ્યક્તિગત પોલિસીનું વેચાણ 22.66 ટકા ઘટીને 63.5 લાખ થઈ ગયું છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 82.1 લાખ હતું. તેની અસર 2020-21 અને 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પણ જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન તે અનુક્રમે 46.20 ટકા ઘટીને 19.1 લાખ અને 34.93 ટકા ઘટીને 23.1 લાખ થયું હતું.
ડેઠ ક્લેયમ પણ વધ્યાં
એલઆઈસીના જણાવ્યા અનુસાર કોરોના દરમિયાન મૃત્યુને કારણે વીમાના દાવાઓમાં પણ વધારો થયો છે. નાણાકીય વર્ષ 2019, 2020, 2021 અને 30 સપ્ટેમ્બર, 2021ના રોજ પૂરા થયેલા છ મહિના દરમિયાન મૃત્યુના વીમા દાવા અનુક્રમે રૂ. 17,128.84 કરોડ, રૂ. 17,527.98 કરોડ, રૂ. 23,926.89 કરોડ અને રૂ. 21,874 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. આ કુલ વીમા દાવાઓના અનુક્રમે 6.79 ટકા, 6.86 ટકા, 8.29 ટકા અને 14.47 ટકા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી મહિને ભારતના ઈતિહાસનો સૌથી મોટો એલઆઈસીનો આઈપીઓ બજારમાં આવી રહ્યો છે જેમાં સરકાર ઓફર ફોર સેલ થકી 5% ઈક્વિટી એટલેકે 316 કરોડ શેર વેચવા જઈ રહી છે.