- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : ક્રિસિલે નવેમ્બર 2021માં તૈયાર કરેલા ઈન્શ્યોરન્સ સેક્ટરની કંપનીઓ પરના રિપોર્ટમાં જીવન વીમા પ્રિમિયમના સંદર્ભમાં એલઆઈસીને વિશ્વની ત્રીજી સૌથી મોટી કંપની માનવામાં આવી હતી પરંતુ આ જાહેર ન કરવામાં આવેલ રીપોર્ટમાંથી અનેક અન્ય રોચક તથ્યો પણ બહાર આવી રહ્યાં છે.
જીવન વિમા ક્ષેત્રની વિશ્વની તમામ કંપનીઓમાં સૌથી વધુ વળતર એલઆઈસીએ કરેલ ઈક્વિટી રોકાણમાં મળ્યું છે. ભારતની સૌથી મોટી વીમા કંપની જીવન વીમા નિગમ(LIC) ઇક્વિટી પર સૌથી વધુ 82 ટકા વળતર ધરાવે છે એટલેકે તેણે કરેલ રોકાણ પર જાહેર ક્ષેત્રની મહાકાય કંપનીને 82%નું મસમોટું વળતર મળી રહ્યું છે.
ક્રિસિલના રિપોર્ટ અનુસાર ભારતના લાઈફ ઈન્શ્યોરન્સ સેક્ટરમાં 2020માં LICનો બજાર હિસ્સો 64.1 ટકાથી વધુ હતો. 2000 પહેલાના સમયમાં LICનો બજાર હિસ્સો 100 ટકા હતો, જે 2016માં ધીમે ધીમે ઘટીને 71.8 ટકા થઈ ગયો અને 2020માં LICનો બજાર હિસ્સો વધુ ઘટીને 64.1 ટકા થઈ ગયો. દેશની બીજી સૌથી મોટી જીવન વીમા કંપની SBI લાઇફ 2016માં માત્ર પાંચ ટકા અને 2020માં આઠ ટકા બજારહિસ્સો ધરાવતી થઈ ગઈ છે.
રિપોર્ટ અનુસાર વિશ્વની અન્ય કોઈ કંપની પાસે LIC જેટલો બજાર હિસ્સો નથી. એલઆઈસીનું ગ્રોસ રિટન પ્રીમિયમ (GWP)ના 64.1 ટકા અથવા 56.045 અબજ ડોલર છે જે વિશ્વમાં કોઈપણ વીમા ક્ષેત્રની કંપનીઓમાં સૌથી વધુ છે. એટલું જ નહિ વિશ્વમાં ક્યાંય પણ બજારહિસ્સાની દ્રષ્ટિએ પ્રથમ કંપની અને બીજા નંબરે આવતી કંપની વચ્ચે આટલો મોટો તફાવત નથી. અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2020-21માં SBI લાઇફનો બજાર હિસ્સો માત્ર 8 ટકા હતો, જ્યારે LICનો બજારહિસ્સો 64.1 ટકા હતો. જોકે નફાના સંદર્ભમાં નાણાકીય વર્ષ 2020-21માં માત્ર રૂ. 40.6 કરોડની ચોખ્ખી આવક સાથે એલઆઈસી ઘણી પાછળ છે.
માર્ચ 2021 સુધીમાં LIC પાસે 13.5 લાખ એજન્ટો હતા, જે દેશના કુલ એજન્ટ નેટવર્કના 55 ટકા છે અને SBI લાઇફ કરતાં 7.2 ગણા વધુ છે.