- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇ : કોરોના મહામારીની ત્રીજી લહેરની પ્રતિકુળતાઓના કારણે ગત ડિસેમ્બર અને જાન્યુઆરીમાં નબળા દેખાવ બાદ ફેબ્રુઆરીમાં જીવન વીમાના ન્યુ બિઝનેસ પ્રીમિયમમાં ફરી પ્રોત્સાહક વૃદ્ધિ જોવા મળી છે.
ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ઇરડા)ના આંકડા મુજબ ફેબ્રુઆરીમાં જીવન વીમા કંપનીઓનું રૂ. 27,465 કરોડનું ન્યુ બિઝનેસ પ્રીમિયમ ક્લેક્શન મેળવ્યુ છે જે માસિક તુલનાએ 27 ટકા, વાર્ષિક તુલનાએ 22 ટકા અને ફેબ્રુઆરી 2020ની તુલનાએ 42 ટકા વધારે છે.
દેશનો સૌથી મોટો આઇપીઓ લાવવાની તૈયારી કરી રહેલી લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઇસી)નુ ન્યુ બિઝનેસ પ્રીમિયમ ક્લેક્શન સૌથી વધુ 35.36 ટકા વધીને રૂ. 17,849.34 કરોડ નોંધાયુ છે. તો ખાનગી વીમા કંપનીઓનું પ્રીમિયમ ક્લેક્શન માત્ર 5 ટકા વધીને રૂ. 9975.42 કરોડ થયુ છે.
વ્યક્તિગત વીમાના વાર્ષિક પ્રીમિયમનું કુલ ક્લેક્શન ફેબ્રુઆરીમાં 5 ટકા વધ્યુ છે જેમાં એલઆઇસીનું પ્રીમિયમ ક્લેક્શન 8 ટકા અને ખાનગી કંપનીઓનું 4 ટકા વધ્યુ છે. જ્યારે જાન્યુઆરીમાં તેમાં 7 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
આ સાથે ચાલુ નાણાંકીય વર્ષે ફેબ્રુઆરી સુધીના 11 મહિનામાં જીવન વીમા કંપનીઓનું ન્યુ બિઝનેસ પ્રીમિયમ ક્લેક્શન વાર્ષિક તુલનાએ 8.5 ટકા વધીને રૂ. 2.54 લાખ કરોડ નોંધાયુ છે. જેમાં ખાનગી કંપનીઓનું પ્રીમિયમ ક્લેક્શન 24.6 ટકા અને એલઆઇસીનું માત્ર 0.24 ટકા વધીને રૂ. 1.56 લાખ કરોડ રહ્યુ છે.