- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
મુંબઈ: ભારતમાં સ્માર્ટફોન વીમા સેગમેન્ટની બજાર ૨૦૨૫ સુધીમાં ૫૦ કરોડ ડોલર પર પહોંચવાની ધારણાં છે. એક રિસર્ચ પેઢીના રિપોર્ટ પ્રમાણે સ્માર્ટફોન વીમા માર્કેટ વાર્ષિક ૨૯ ટકા ચક્રવૃદ્ધિ કરે તેવી અપેક્ષા છે.
ભારતમાં અંદાજે ૫૦ કરોડ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. આ આંક આગામી પાંચ વર્ષમાં વધીને એક અબજ પર પહોંચી જવાની વકી છે. જે વર્ષે ૭.૮૦ કરોડ વપરાશકારોનો ઉમેરો થવાનું સૂચવે છે. જો કે સ્માર્ટફોનની વીમા બજારમાં અનેક અસંગઠીત ખેલાડીઓ પ્રવેશી ગયા છે જેમનો દાવાની પતાવટ કરવાનો રેકોર્ડ ખાસ વખાણવા જેવો નથી એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. રિટેલરો તથા વિતરકો સાથે મળીને આ ખેલાડીઓ વીમા વેપાર મેળવી રહ્યા છે.
સ્માર્ટફોન્સના વીમા પર કોઈ નિયમનકારી નિયંત્રણ જોવા મળતું નથી, જેને કારણે અસંગઠીત ખેલાડીઓ ફૂટી નીકળ્યા છે અને જવાબદારીમાંથી છટકી શકે છે. સ્માર્ટફોન્સના વીમા કોણ વેચી શકે તે નિશ્ચિત કરવા નિયમનકારી ધોરણો હોવા જરૂરી છે એમ રિપોર્ટમાં ભારપૂર્વક જણાવાયું છે. ટુ વ્હીલર્સની સરખામણીએ સ્માર્ટફોન્સના વીમા પાછળનો ખર્ચ ઘણો ઊંચો રહે છે. ટુ વ્હીલર્સના વીમાનો ખર્ચ તેની કિંમતના બે ટકા જેટલો રહે છે જ્યારે સ્માર્ટફોન્સમાં આ આંક દસ ટકા જેટલો જોવા મળતો હોવાનો રિપોર્ટમાં દાવો કરાયો છે.