- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇ : નાના રોકાણકારો દ્વારા મ્યુચ્યુઅલ ફંડ્સની વિવિધ સ્કીમમાં કરેલું રોકાણ પહેલીવાર ઓગસ્ટમાં રૂ. 20 લાખ કરોડને ટોચે પહોંચ્યુ છે. નાના રોકાણકારો હજી પણ મ્યુ. ફંડ રૂટ મારફતે ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરવાનું વધારે પસંદ કરી રહ્યા હોવાનું આ આંકડાથી સ્પષ્ટ થાય છે.
રિટેલ રોકાણકારોમાં મ્યુ. ફંડ્સ પ્રત્યેના વિશ્વાસ અને આકર્ષણ હજી પણ અકબંધ છે અને સમગ્ર મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન્ડસ્ટ્રીઝની કુલ એસેટસ અંડર મેનેજમેન્ટ (એયુએમ)માં તેની ભાગીદારી 50 ટકાથી વધારે થઇ ગઇ છે. એસોસિએશન ઓફ મ્યુ. ફંડ્સ ઇન ઇન્ડિયાના આંકડા અનુસાર ઓગસ્ટના અંતે મ્યુ. ફંડ્સ ઇન્ડસ્ટ્રીઝની એયુએમ રૂ. 39.5 લાખ કરોડ નોંધાઇ હતી.
માર્ચ 2020માં કોરોના મહામારી ફેલાઇ ત્યારે મ્યુ. ફંડ્સની કુલ સંપત્તિમાં રિટેલ રોકાણકારોનો હિસ્સો 40 ટકાથી ઓછો હતો. જો કે કોરોના કટોકટી દરમિયાન ભારતના શેરબજારમાં આવેલી અભૂતપૂર્વ તેજીથી આકર્ષાઇ મોટી સંખ્યામાં નવા રોકાણકારોના પ્રવેશ સાથે મ્યુચ્યુઅલ ફંડ્સની વિવિધ સ્કીમમાં રોકાણ પણ વધ્યુ હતુ.
એપ્રિલ 2020થી વ્યક્તિગત રોકાણકારોની એસેટ્સમાં 2.2 ગણો વધારો થયો છે, તેમ છતાં એકંદર ઉદ્યોગની કુલ એસેટ્સ 68 ટકા જ વધી છે. મોટાભાગના રિટેલ રોકાણકારો હવે સીધા રોકાણને બદલે મ્યુ. ફંડ્સ રૂટથી રોકાણ કરવાનો માર્ગ અપનાવે છે.
પ્રાઇમ ડેટાબેઝ મુજબ જૂન 2022 ક્વાર્ટરના અંતે રિટેલ રોકાણકારો પાસે રહેલા શેરહોલ્ડિંગનું મૂલ્ય રૂ. 17.58 લાખ કરોડ હતું. જેની સરખામણીમાં જૂન મહિનામાં સરેરાશ રિટેલ એયુએમ રૂ. 18.1 લાખ કરોડ હતી.