- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હીઃ સંસ્થાકીય રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ્સ હાઉસોએ જાન્યુઆરી દરમિયાન ઇક્વિટી માર્કેટમાં રૂ.7000 કરોડનું ભંડોળ ઠાલવ્યું છે જ્યારે તેની સામે વિદેશી રોકાણકારોએ બજારમાંથી રૂ.5200 કરોડનું રોકાણ પાછું ખેંચ્યું છે. માર્કેટ એનાલિસ્ટોનું માનવું છે કે ભારતીય બજારમાંથી વિદેશી રોકાણકારોની એક્ઝિટ દરમિયાન મ્યુ. ફંડોને પ્રવેશવાની તક મળી છે.
બજાર નિયામક સેબીના આંકડા મુજબ જાન્યુઆરીમાં નેટ બેસિસ ઉપર મ્યુ.ફંડ્સ હાઉસોએ રૂ. 7160 કરોડના શેરની ખરીદી કરી છે. જેની સામે આ સમયગાળા દરમિયાન ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઇ)એ ઇક્વિટી માર્કેટમાં રૂ. 5264 કરોડની વેચવાલી કરી છે.
માર્કેટ એનાલિસ્ટોએ જણાવ્યું હતું કે, ફંડ મેનેજરો દ્વારા સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં મૂડીરોકાણ એ રિટેલ ઇન્વેસ્ટર્સના ઇનફ્લોને આભારી છે. મ્યુ. ફંડ હાઉસો પાસે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (સિપ) હેઠળ નાના રોકાણકારો તરફથી મોટા પ્રમાણમાં સતત મૂડીપ્રવાહ આવી રહ્યો છે. સિપના ઇનફ્લોને ધ્યાનમાં રાખતા આગામી મહિનાઓમાં પણ આ વલણ યથાવત્ રહેવાની ધારણા છે.
ભારતીય શેરબજારમાંથી એફપીઆઇનો આઉટફ્લો લોકસભાની ચૂંટણી પૂર્વે તેમની થોભો અને રાહ જુઓની નીતિના સંકેત આપે છે.
મોર્નિંગસ્ટાર ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર ઇન્ડિયાના સિનિયર એનાલિસ્ટ મેનેજર હિમાંશુ શ્રીવાસ્તવે જણાવ્યું કે, વિદેશી રોકાણકારો ભારતીય બજાર પ્રત્યે સાવચેતીભર્યું અથવા થોભો અને રાહુ જુઓનું વલણ ધરાવે છે જેને તેણો લાંબા સમય સુધી જાળવી શકે છે. ભારતના આર્થિક વિકાસ અને લોકસભાની ચૂંટણી અને તેના પરિણામો ઉપર બાજ નજર રહેશે.