- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
અમદાવાદ: મ્યુચુઅલ ફંડનું સૌથી વધુ રોકાણ બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસીઝ કંપનીઓમાં છે. ઓક્ટોબર ૨૦૧૪થી ઓક્ટોબર ૨૦૧૮ના ચાર વર્ષના ગાળામાં ફંડનું રોકાણ બેન્કિંગ શેરોમાં ત્રણ ગણું અને નાણા કંપનીઓના શેરમાં પાંચ ગણું વધ્યું છે. આ આંકડા એટલા માટે ચોકાવનારા છે કે દેશના મ્યુચ્યુઅલ ફંડના સ્થાપકોમાં મોટાભાગે દેશ-વિદેશની અગ્રણી બેંકોનો હિસ્સો છે. જેમાં બેંકો સ્થાપક નથી એ બધી કંપનીઓ NBFC નાણા કંપનીની માલિક છે. આ બધી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓનું સૌથી વધુ રોકાણ બેન્કો કે નાણા કંપનીઓના શેર કે તેમના દેવાના સાધનોમાં છે.
સેબીના આંકડા અનુસાર ઓક્ટોબર ૨૦૧૪માં મ્યુચ્યુઅલ ફંડનું બેન્કિંગ કંપનીઓના શેરમાં રોકાણ રૂ.૬૨,૭૧૮ કરોડ હતું જે ઓક્ટોબર ૨૦૧૮માં વધી રૂ.૨,૦૧,૦૮૦ કરોડ થયું છે. આ સમયગાળામાં ફાઈનાન્સ કંપનીઓના શેરમાં ફંડનું રોકાણ રૂ.૧૭,૮૪૨ કરોડથી વધી રૂ.૮૮,૨૮૮ કરોડ થયું છે.
માત્ર એટલ્રું જ નહિ, મ્યુચ્યુઅલ ફંડ નાણા કંપનીઓના દેવાના સાધનો (જેમકે કોમર્શીયલ પેપર)માં પણ જંગી મૂડીરોકાણ કરે છે. ઓક્ટોબર ૨૦૧૪ના આવું રોકાણ લગભગ રૂ.૬૦,૬૨૯ કરોડનું હતું જે ઓક્ટોબર ૨૦૧૮માં બમણાથી વધુ રૂ.૧,૨૮,૩૦૭ કરોડનું થયું છે.
મ્યુચ્યુઅલ ફંડની જેમ વિદેશી નાણા સંસ્થાઓ માટે પણ બેન્કિંગ અને ફાઈનાન્સ ક્ષેત્રની ઇક્વિટી આકર્ષિક રહી છે. બેંકોના શેરમાં FIIનું રોકાણ ઓક્ટોબર ૨૦૧૪ના રોજ રૂ.૨,૪૪,૯૧૮ કરોડ હતું જે ઓક્ટોબર ૨૦૧૮માં બમણું થઇ રૂ.૫,૧૭,૪૭૨ કરોડ પહોચ્યું છે. આવી જ રીતે નાણાકીય સેવાઓ ચલાવતી કંપનીઓમાં FIIનું ઇક્વિટી રોકાણ રૂ.૧,૮૪,૮૪૧ કરોડ હતું જે ઓક્ટોબર ૨૦૧૮માં બમણા જેટલું વધી રૂ.૩,૬૬,૧૯૯ કરોડ થયું છે.