- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હીઃ નાણાં મંત્રાલય વિદેશી મોટાગજાના પેન્શન ફંડ હાઉસીસ પાસેથી લાંબા ગાળાના રોકાણોને આકર્ષવા માટે ગ્લોબલ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ) લોન્ચ કરવાની યોજના કરી રહ્યું છે. નવા ઈટીએફ કે જેને મોટા રોકાણકારોની ક્ષમતાનો અભ્યાસ કરીને બનાવવામાં આવશે, જેને આગામી નાણાકીય વર્ષમાં લોન્ચ કરવામાં આવી શકે છે એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
પ્રારંભિક સ્તરે મંત્રાલયની યોજના ઓવરસીઝ માર્કેટમાં ભારત-22 ઈટીએફ લિસ્ટ કરવાની હતી પણ ત્યારબાદ હેજિંગ અને કરન્સી કન્વર્ઝનને સંલગ્ન ખર્ચ અંગે રોકાણકારોએ ચિંતા વ્યક્ત કર્યા પછી તેમાં આગળ વધવાનું માંડી વાળ્યું હતું.
મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું, ‘લક્ષ્ય એ છે કે અત્યાર સુધી ધ્યાને ન લેવાયેલા રોકાણકારો સુધી પહોંચવામાં આવે કે જે લાર્જ ઓવરસીઝ પેન્શન ફંડો છે. નવા ઈટીએફ એ રીતે બનાવવાની યોજના છે કે આ રોકાણકારો જે સેક્ટર્સમાં રોકાણ કરવા માટે ઉત્સાહિત હોય તેમાં બનાવવામાં આવે.’
તેમણે વધુમા કહ્યું હતું કે સીપીએસઈ કે જેમાં સરકારી ઈક્વિટીમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે તેમજ તેમાં પ્રમોટર હોલ્ડિંગ 58-60 ટકા છે તેને પ્રસ્તાવિત ઈટીએફમાં સામેલ કરવામાં આવશે.
સરકાર દ્વારા બે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ – સીપીએસઈ ઈટીએફ અને ભારત-22 ઈટીએફ ડોમેસ્ટિક સ્ટોક એક્સચેન્જીસમાં લિસ્ટેડ કરાયા છે. ઈટીએફ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની જેમ કામ કરે છે અને સરકારને આધીની કંપનીઓની અંડરલાઈંગ એસેટ્સ ધરાવે છે.
સરકારે ભારત-22 ઈટીએફ દ્વારા રૂ. 22900 કરોડ અને રૂ. 11500 કરોડ સીપીએસઈ ઈટીએફ દ્વારા ઊભા કર્યા છે. 2017-18માં લોન્ચ ભારત 22 ઈટીએફમાં 16 પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝીસ (સીપીએસઈ), ત્રણ પીએસયુ બેન્ક અને ત્રણ પ્રાઈવેટ સેક્ટરની કંપનીઓ આઈટીસી, એલએન્ડટી અને એક્સિસ બેન્ક છે.