- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હીઃ દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીના પરિણામોની અનિશ્ચિતતા અને ડેટ સ્કીમમાંથી મોટા પ્રમાણમાં રિડપ્મ્પશનને પગલે ઇક્વિટી મ્યુ. ફંડ્સની સ્કીમમાં 31 મહિનાનો સૌથી ઓછો ઇનફ્લો નોંધાયો છે. એમ્ફીના આંકડા મુજબ એપ્રિલમહિનામાં ઇક્વિટી મ્યુ.ફંડ્સ સ્કીમમાં રૂ. 4609 કરોડનું ચોખ્ખું મૂડીરોકાણ આવ્યું છે. જે સપ્ટેમ્બર 2016 પછીનો સૌથી નીચો નેટ ઇનફ્લો છે તે મહિને રૂ. 3743 કરોડનું નવું રોકાણ આવ્યું હતું.
ભલે ઇક્વિટી સ્કીમમાં ઇનફ્લો 31 મહિનાને તળિયે ઉતરી ગયો હતો પરંતુ નાના રોકાણકારોને સિપ પ્રત્યે વિશ્વાસ અક બંધ રહેતા રૂ.8238 કરોડનો મૂડીપ્રવાહ ઠલવાયો છે. સામાન્ય રીતે હાલ ચૂંટણીના માહોલ વચ્ચે ઇક્વિટી માર્કેટમાં વોલેટિલિટી વધતા રિડમ્પ્શનનું ભારે દબાણ સર્જાયું છે.
ફિક્સ્ડ મેચ્યુરિટી પ્લાન કે FMPsમાંથી એપ્રિલ મહિના દરમિયાન રૂ. 17644 કરોડનો નેટ આઉટફ્લો નોંધાયો છે જ્યારે દરમિયાન સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)માં મૂડીપ્રવાહ યથાવત્ રહ્યો છે એવું એમ્ફિએ જણાવ્યું છે.
એમ્ફિના ચીફ એક્ઝિક્યુટિવ એન.એસ. વેંકટેશે જણાવ્યું કે, આઉટફ્લો ઘટવાનું મુખ્ય કારણ એ છે કે આ સમયગાળામાં મોટી સંખ્યામાં એફએમપી સમાપ્ત થઇ ગયા છે. એફએમપી એવી ક્લોઝ્ડ-એન્ડ સ્કીમ છે જે કરકપાતનો લાભ મેળવવા માટે ત્રણ વર્ષના સમયગાળા માટે માર્ચની આસપાસ શરૂ કરવામાં આવે છે. એફએમપીમાં આઉટફ્લો પાછળનું મુખ્ય કારણ એ છેકે તેમની મુદ્દત સમાપ્ત થઇ ગઇ છે અને હવે તેમાંથી નાણાં ઉપાડવામાં આવી રહ્યાં છે. ઉપરાંત માર્કેટમાં ડાઉનગ્રેડિંગ અને ક્રેડિટ ડિફોલ્ટની ઘટનાઓને પગલે ગભરાટભર્યો માહોલ છે.
એમ્ફીના આંકડા મુજબ એપ્રિલના અંતે ફિક્સ્ડ મેચ્યોરિટી પ્લાન હેઠળની નેટ એસેટ્સ અંડર મેનેજમેન્ટ રૂ. 1,41,171 કરોડ નોંધાઇ હતી.
અગાઉના મહિના કે અન્ય કોઇ સમયગાળાની સાથે એપ્રિલના એફએમપીના ફ્લો ડેટાની તુલના કરવી શક્ય નથી કારણ કે બજાર નિયામક સેબી દ્વારા સુચવેલા સુચનો મુજબ એપ્રિલના મ્યુચ્યુઅલ ફંડસના ડેટા રાખવામાં આવ્યાં છે. આ નવા માળખામાં ઓક્ટોબર 2017માં સેબીએ દ્વારા સુચવેલા મ્યુ. ફંડ્સ ફેરવર્ગીકૃત કવાયત મુજબ આંકડા આપવામાં આવે છે.
એમ્ફીના પ્રમુખે જણાવ્યું કે, આંકાડઓની તુલના કરવી શક્ય નથી કારણ કે એમ્ફીએ એપ્રિલથી નવા માળખાંમાં આંકડાઓ રજૂ કર્યા છે અને હવે આગામી સમયમાં પણ નવા માળખામાં આંકડાઓ જાહેર કરવામાં આવશે.
એમ્ફીના મતાનુસાર ક્લોઝ એન્ડેડ ઇન્કમ/ ડેટ-ઓરિએન્ટેડ સ્કીમ કેટેગરીએ એપ્રિલમાં રૂ. 18950 કરોડનો નેટ આઉટફ્લો દર્શાવ્યો છે જે ખાસ કરીને એફએમપીના રિડમ્પ્શનને આભારી છે. એફએમપીને બાદ કરતા કેપિટલ પ્રોટેક્શન ઓરિએન્ટેડ ફંડે રૂ.607 કરોડનો નેટ આઉટફ્લો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેટ ફંડે રૂ. 314 કરોડ અને અન્ય ડેટ સ્કીમોએ રૂ. 382 કરોડનો નેટ આઉટફ્લો દર્શાવ્યો છે.
ક્રેડિટ રિસ્ક ફંડ્સમાંથી ગત મહિને રોકાણકારોએ રૂ. 1253 કરોડની મૂડી પાછી ખેંચી લીધી છે. તો આ સ્કીમમાં રૂ.995 કરોડની નવી ખરીદી પણ થઇ છે.
જોકે રોકાણકારોનો મ્યુ. ફંડ્સની સિપ સ્કીમ પ્રત્યે વિશ્વાસ અકબંધ રહ્યો છે અને એપ્રિલ મહિનામાં રૂ. 8238.28 કરોડનો ચોખ્ખો મૂડીપ્રવાહ નોંધાયો છે જે માસિક ધોરણે નેટ ઇનફ્લોમાં 2.3 ટકાની વૃદ્ધિ સૂચવે છે. જ્યારે એપ્રિલ 2018માં સિપ સ્કીમમાં રૂ. 6990 કરોડનું રોકાણ આવ્યું હતું. ઇક્વિટી કેન્દ્રિત સ્કીમમાં પણ રૂ.4508 કરોડનો ચોખ્ખો મૂડીપ્રવાહ આવ્યો છે. આમ તો એપ્રિલના અંતે સમગ્ર મ્યુ.ફંડ્સ ઉદ્યોગની કુલ એસેટ્સ વાર્ષિક તુલનાએ 7 ટકાના વધારામાં રૂ. 25.27 લાખ કરોડ નોંધાઇ છે.