- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઈ: ગત સપ્તાહે બિકોઇનને ૪૦૦૦ ડોલરની ઉપર જવાના દરવાજા ખુલી ગયા, તે સાથે તે વેગથી બુલીશ ઝોનમાં દાખલ થયો હતો. છેલ્લા થોડા સપ્તાહથી ભારતીય ક્રીપ્ટોકરન્સી રોકાણકારોને સંજીવની પ્રાપ્ત થઇ છે, તે સાથે ડીજીટલ કરન્સી એસેટ્સને વ્યાપક પ્રમાણમાં જીવતદાનનો ઓક્સીજન પણ મળ્યો હતો. નવેમ્બર ૨૦૧૬મા ભારતમાં નોટબંધીની જાહેરાત પછી ભારતીય રોકાણકારોએ અબજો રૂપિયાનું કાળું નાણું ક્રીપ્ટોકરન્સીમાં ઠાલવ્યું હતું. પરિણામે ડીસેમ્બર ૨૦૧૭મા બિટકોઇનનો ભાવ ૧૯,૩૨૦ ડોલરની વિક્રમ ઐતિહાસિક ઉંચાઈએ ગયો હતો. હવે ૩૯૨૦ ડોલર આસપાસના ભાવે રોકાણકારોનો સપોર્ટ પ્રાપ્ત થયો છે અને સોમવારે બુલીશ વેવમાં ભાવ ૪૧૧૮.૧૦ ડોલરની સપાટી વટાવી ગયો. સાપ્તાહિક ધોરણે ભાવ ૨.૭ ટકા વધી આવ્યા હતા.
સતત વધી રહેલા સોદા, સૂચિત કરે છે કે સેન્ટીમેન્ટમાં બદલાવ આવ્યો છે. એપ્રિલ ૨૦૧૮ પછીથી પહેલી વખત જાગતિક બેન્ચમાર્ક ક્રીપ્ટોકરન્સી બિટકોઇનનાં દૈનિક સરેરાશ સોદા નવા મુકામ સર કરવા લાગ્યા છે. ગત એપ્રિલમાં જ્યારે ભાવ ૮૦૦૦ ડોલરની ઉપર ગયો ત્યાર પછી પહેલી વખત, સોમવારે દૈનિક બિટકોઇન ટ્રેડીંગ વોલ્યુમ ૧૧ અબજ ડોલર વટાવી ગયું હતું, એ સાથે જ બિટકોઇનની તેજીની યાત્રાનો પણ આરંભ થયો હતો. છેલ્લા પાંચ મહિનામાં બિટકોઇનનું રોજિંદુ કામકાજ ૧૫૦ ટકાની વૃદ્ધિ દાખવે છે. જાન્યુઆરી ૨૦૧૮ પછીથી બિટકોઇનમાં આટલું બધું કામકાજ ક્યારેય જોવા નથી મળ્યું. છેલ્લા એક વર્ષ દરમિયાન માત્ર ૧૦ દિવસ એવા હતા જેમાં કામકાજનો આંક ૧૧ અબજ ડોલર વટાવી શક્યો હોય, તેમાંના છ ટ્રેડીંગ દિવસો તો માર્ચ ૨૦૧૯મા નોંધાયા છે.
ક્રીપ્ટોકરન્સી એનાલીસ્ટો કહે છે કે માર્ચ આરંભથી દૈનિક સરેરાશ ૧૦ અબજ ડોલરના બિત્કોઇનનાં હાથ બદલા થાય છે. નવેમ્બર ૨૦૧૮મા બિત્કોઇન કેશનો ફિયાસ્કો થયો, ત્યાર પછીથી બેન્ચમાર્ક બિટકોઇનના ભાવ ૩૫ ટકા તૂટ્યા હતા અને દૈનિક સરેરાશ વોલ્યુમ ઘટીને ૬.૨૫ અબજ ડોલર પર આવી ગયું હતું. આના પ્રત્યાઘાત રૂપે ૨૦૧૮મા ભાવ ગબડી પડ્યા હતા, જેમાં અસંખ્ય રોકાણકારો અને ટ્રેડરો ધોવાઈ ગયા હતા. પણ હવે ક્રીપ્ટો માર્કેટ કેપમાં પણ ૧૪૦.૯૦ અબજ ડોલરનો વધારો થયો છે. ભાવમાં મોટાપાયે ગાબડા પડ્યા પછી રોકાણકારો ક્રીપ્ટો માર્કેટમાં ખાસ કરીને બિત્કોઇનમાં દાખલ થતા ગભરાટ અનુભવતા હતા. જુન ૨૦૧૮ અને ઓક્ટોબર ૨૦૧૮ દરમિયાન ક્રીપ્ટો ટ્રેડીંગ તળિયે બેસી ગયા હતા. અલબત્ત આ ગાળામાં દરેક બાઉન્સ બેક એકશનમાં લોઅર લોઝ (પ્રત્યેક ઘટાડે નવી નીચી સપાટી) સ્થપાવા છતાં, બિટકોઇનને ૬૦૦૦ ડોલર આસપાસ સ્થિર ટેકો મળી રહ્યો હતો.
નવેમ્બર ૨૦૧૮મા ૬૦૦૦ ડોલરનું સપોર્ટ લેવલ તૂટી ગયું, પરિણામે ૧૫ ડિસેમ્બરે ૩૨૧૬.૧૦ ડોલરની નવી બોટમ બની હતી. ઘટ્યા ભાવે ભયભીત રોકાણકારો બજાર છોડી ગયા. નવેમ્બર ૨૦૧૮થી જાન્યુઆરી ૨૦૧૯ સુધી બિત્કોઇનમાં સરેરાશ કામકાજ ઘટીને લગભગ સ્થિર થઇ ગયા હતા. જે દાખવતું હતું કે બજારમાં હવે ટ્રેડીંગમાં કોઈને ખાસ રસ રહ્યો નથી. અલબત્ત ફેબ્રુઆરીમાં પતંગીયા જેવા રોકાણકાર પાછા ફર્યા અને કામકાજ સરેરાશ ૭ અબજ ડોલરે પહોચ્યું. માર્ચમાં તો તેમણે ફેબ્રુઆરી કરતા વધુ રસ દાખવ્યો. નવેમ્બરમાં શરુ થયેલી બિટકોઇન કેશ સાથેની કોલ્ડ વોર પૂરી થઇ.
છેલ્લા કેટલાંક સપ્તાહથી તેજીવાળા બજાર પર કબજો જમાવી રહ્યા છે, પરિણામે બિત્કોઇનનાં ભાવ પણ ઉંચકાવા લાગ્યા. આમ બિટકોઇનનો શિયાળો પણ હવે પૂર્ણ થયો મનાય છે. જો કે એક જાણીતા અર્થશાસ્ત્રી/ઇતિહાસકારે કબુલ્યું હતું કે મારી ડીજીટલ કરન્સી બિટકોઇન બાબતની આગાહી ખોટી પડી છે, બિટકોઇન અને અન્ય ક્રીપ્ટોકરન્સીના વર્તમાન અને ભવિષ્ય સાબુત રહેશે અને તેને શૂન્ય થવાની દુર-દુર સુધી કોઈ શક્યતા નથી.
(નોંધ: આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)