- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : વિશ્વના સૌથી મોટા અર્થતંત્રની વિશ્વની સૌથી મોટી સેન્ટ્રલ બેંક યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની શરૂઆત એપ્રિલ મહિનાની મોનિટરી પોલિસીમાં જ કરી દેવામાં આવી હતી અને આગામી સમયમાં ઝડપી વ્યાજદર વધારાની આશંકા વ્યકત કરવામાં આવી હતી. જોકે ગુરૂવારે મોડી રાતના અહેવાલ અનુસાર યુએસ ફેડે મે મહિનાની મોનિટરી પોલિસી બેઠકમાં વ્યાજદરમાં 0.50%નો વધારો કરવાની તૈયારી દર્શાવતા સમગ્ર વિશ્વભરમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
યુએસ ફેડના ચેરમેને પોવેલે મે મહિનામાં વ્યાજદરમાં 0.5 ટકાનો વધારો કરવાનો સંકેત આપ્યો છે. અમેરિકામાં ફુગાવો 40 વર્ષની ટોચે છે. મોંઘવારીની સામે અર્થતંત્રને ટકાવી રાખવા માટે એટલેકે ફુગાવા પર લગામ લગાવવા માટે વ્યાજદર વધારવાનો સંકેત આપવામાં આવ્યો છે. જેરોમ પોવેલે IMF આયોજિત એક પ્રોગ્રામમાં ફુગાવા પર કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ફુગાવાનું દબાણ વધ્યું છે. મોંઘવારી દરને 2% પર લાવવાનું લક્ષ્ય છે.
દેશમાં હાલ રોજગારની શોધ કરતા બેરોજગારો કરતા રોજગાર સર્જનનો આંકડો વધુ છે. વ્યાજદરમાં વધારાથી મોંઘવારી કાબૂમાં આવશે પરંતુ અર્થતંત્રમાં કોરોના બાદની રિકવરીને પણ ઝાટકો લાગી શકે છે. જોકે અર્થતંત્રના સુધારામાં ફેડનો વ્યાજદર વધારો વધુ વિક્ષેપ નહિ પહોંચાડે તેવો આશાવાદ પોવેલે વ્યકત કર્યો છે.
ફેડ દ્વારા દરમાં વધારો કરવાના સંકેતો પર યુએસ બજારો ઘટ્યાં છે. ફેડરલ રિઝર્વે મે મહિનામાં વ્યાજદરમાં 0.5 ટકાનો વધારો કરવાનો સંકેત આપતા ડાઉ જોન્સ ઉપલા મથાળેથી 700 પોઈન્ટ્સ ગગડ્યો હતો. નાસ્ડેક અને એસ એન્ડ પી ઈન્ડેકસ પણ 2% તૂટ્યાં હતા. એશિયન બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. બ્રેન્ટ ક્રૂડની કિંમત 108 ડોલર નજીક પહોંચી છે, જ્યારે નેચરલ ગેસમાં 7 ડોલરનો કડાકો જોવા મળ્યો છે.