- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

ગાંધીનગર- ભાજપ પ્રેરિત એનડીએ સરકાર એ દેશમાં સૌથી વધુ 19 રાજ્યોમાં સત્તા પર છે ત્યારે પાર્ટીના બંધારણમાં ઓબીસી કે લધુમતિને સ્થાન નથી પરંતુ સવર્ણોને વધુ સ્થાન આપવામાં આવ્યું છે.
ભાજપના જાહેર થયેલા 50 નેશનલ ઓફિસ બેરર્સમાં જોઇએ તો સૌથી વધુ 17ની સંખ્યા બ્રાહ્મણોની છે. એક સમયે ઇન્દિરા ગાંધીના શાસનમાં તેમની પીએમઓમાં સૌથી વધુ બ્રાહ્મણો હતા જ્યારે રાજ્યોમાં સૌથી વધુ મુખ્યમંત્રી હતા. આજે ભાજપમાં સવર્ણોની બોલબાલા છે.
ભાજપ એક તરફ એવું કહે છે કે સૌનો સાથ, સૌનો વિકાસ પરંતુ પાર્ટીમાં વિકાસ માત્ર સવર્ણોનો જ થયો છે. ઓબીસી અને દલિતોના મુદ્દે દેશમાં રાજકારણમાં મોખરે રહેલા ભાજપમાં ફરી એકવાર સવર્ણોનો દબદબો જોવા મળે છે.
પાર્ટીના ઓફિસ બેરર્સમાં જોઇએ તો અન્ય સવર્ણ સમુદાયના સૌથી વધુ 21 નેતા છે જેમાં વણિકનો પણ સમાવેશ થાય છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ખુદ વણિક છે. ગુજરાતના મુખ્યમંત્રી પણ સવર્ણ છે.
ભાજપની આ બોડીમાં ઓબીસી કેટેગરીમાંથી માત્ર ચાર, એસસી કેટેગરીમાં ત્રણ અને માઇનોરિટીઝમાંથી માત્ર બે નેતાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. ગુજરાતમાં ભાજપ જ્યારે પ્રથમવાર વિધાનસભામાં બહુમત મેળવીને સત્તા પર આવ્યો હતો ત્યારે કેશુભાઇની સરકારને એમ કહેવાતું હતું કે આ પટેલોની પાર્ટી છે, કારણ કે સરકારની કેબિનેટમાં પટેલોનો દબદબો હતો.
નરેન્દ્ર મોદી 2001માં ગુજરાતમાં સત્તા પર આવ્યા ત્યારે તેમણે પાર્ટીની પટેલ હોવાની છાપ ભૂંસીને ઓબીસીની છાપ ઉભી કરી હતી. તેમણે સંગઠન અને સરકારમાં ઓબીસીને વધારે મહત્વ આપ્યું હતું, કારણ કે તેઓ ઓબીસી સમુદાયમાંથી આવે છે. હવે દિલ્હીમાં પણ એવું થયું છે, જો કે અમિત શાહની ટીમમાં સૌથી વધુ સવર્ણોએ મેદાન માર્યું છે.