- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
ભારત માટે કાયમી માથાના દુખાવા સમાન ગણી શકાય તેવી કોઈ સમસ્યા હોય તો તે છે જમ્મુ-કાશ્મીર, આતંકવાદ અને સરહદ પાર નો દુશ્મન દેશ કે જે ભારતમાં લોહીની હોળીઓ રેલાવવા હમેશા તત્પર હોય છે અને આ સમસ્યા માટે કાશ્મીર વિવાદને જવાબદાર ગણવામાં આવે છે. કહેવાનો આશય છે કે, કાશ્મીરનું કોકડું આઝાદીના સમયથી ગૂંચવાયેલું છે અને પાકિસ્તાન તે સમસ્યાને આગળ ધરીને જ આતંકી ગતિવિધિઓ કરાવે છે. તેમજ કાશ્મીરના યુવાનોને પણ ધર્મ અને અન્યાયના નામે બહેકાવતા રહે છે, જેને લીધે કાશ્મીરી યુવાનો પોતાના દેશને અને પોતાની જાતને તબાહ કરે છે. કાશ્મીર સમસ્યામાં હાલ ત્યાના સ્થાનિક રહેવાસીઓ જ લશ્કર અને સરકાર માટે નાકે દમ લાવતા રહે છે.
ત્યારે આ સમસ્યાના મૂળમાં એક નહિ પરંતુ અનેક કારણો રહેલાં છે. જે મોટાભાગના પાકિસ્તાન દ્વારા જ ઉભા કરાયા છે. જેનો ઉકેલ આમ તો સદીઓ સુધી કોઈ દેખાતો નથી. કેમ કે ત્યાં ની સ્થાનિક પ્રજા સ્લીપર સેલ બની આંતકી પ્રવૃતિમાં મદદ કરે રાખે છે. આર્મી પર પત્થરબાજી કરી આર્મીનું મોરલ પણ તોડે છે અને દેશ સાથે આ લોકો ગદ્દારી પણ ચાલુ રાખે છે.
ખેર ત્યારે હાલમાં જ જમ્મુ-કાશ્મીરમાં પરિસીમન/ સીમાંકન કરવા અંગે ચર્ચા ચાલી રહી છે, ત્યારે એક સવાલ તે પણ છે કે, શું જમ્મુ-કાશ્મીરમાં પરિસીમન કરવાથી કોઈ ફાયદો થઇ શકે ? વધુમાં પરિસીમન નો અર્થ હોય છે કોઈ રાજ્યની સીમાના ચૂંટણી ક્ષેત્રની સીમા નક્કી કરવી. તેમજ ખાસ તો, સંવિધાનમાં પણ દર ૧૦ વરસે પરિસીમન કરવાનું પ્રાવધાન છે.. પરંતુ ૧૯૯૫ બાદ અહી વિશેષ જમ્મુ-કાશ્મીર પ્રતિનિધિ ધારો લાગુ કરી ૨૦૨૬ સુધી સીમાંકન ન થાય તેવી જોગવાઈ લેભાગુ લોકોએ કરી દીધી છે. ત્યારે જમ્મુ-કાશ્મીર માટે શું પરિસીમન જરૂરી છે? જેવા સવાલો ખાસ તો કાશ્મીર જેવા વિવાદી ક્ષેત્ર માટે અણિયાળા છે. અને ક્યાંક તેના જવાબ જરૂરી પણ છે, ત્યારે આ વિવાદિત ક્ષેત્ર અંગે થોડી માહિતી મેળવીએ તો…
વેલ, ત્યારે આપણે હાલ જમ્મુ-કાશ્મીરના વર્તમાન નકશાને જોઈએ તો, તેમાં ૫૮% ભૂ-ભાગ લદાખનો છે.જ્યાં ત્રાસવાદ ઝીરો છે. મતલબ કે અહી આતંકવાદનું કોઈ નામો નિશાન નથી. પરંતુ નોધવું રહ્યું કે આ બુદ્ધ બહુલ ક્ષેત્ર છે. તેથી જ ત્યાં શાંતિ છવાયેલી છે એમ કહેવું કઈ ખોટું નહિ જ હોય. તેમજ ૨૬% ભૂ ભાગ જમ્મુનો છે જે પણ હિંદુ બહુલ છે . જ્યાં પણ કોઈ ત્રાસવાદ નથી. અને બાકી બચી કાશ્મીર ઘાટી કે જેનું ક્ષેત્રફળ ફક્ત ૧૬ % જ છે, અને આ વિસ્તાર મુસ્લિમ બહુલ છે.
વિશેષમાં સીમાંકન અંગે તેમ દલીલ થાય કે, ૨૦૧૧ ની જનગણના અનુસાર, જમ્મુ ક્ષેત્રની આબાદી ૫૩,૭૮, ૫૩૮ લાખ જેટલી છે. જે રાજ્યની કુલ આબાદીના ૪૨.૮૯ % જેટલી ગણાય. તેમજ કાશ્મીરની આબાદી ૬૮, ૮૮,૪૭૫ જેટલી છે. જે રાજ્યની આબાદીના ૫૪.૯૩ % છે. વળી કાશ્મીર ઘાટીમાં કુલ આબાદીના ૯૬.૪ % મુસ્લિમો વસે છે. તો લડાખનું ક્ષેત્રફળ ઘણું મોટું હોવા છતાં કુલ વસ્તી ૨,૭૪, ૨૮૯ જેટલી મિક્સ પ્રજા વસે છે. જેમાં ડોગરા સમુદાય, મુસ્લિમો અને બુદ્ધ લોકો છે. ત્યારે અહી સવાલ તે પણ છે કે, વિધાનસભા ક્ષેત્રનું નિર્ધારણ ફક્ત આબાદીને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ કે, ભૌગોલિક ક્ષેત્રને ધ્યાનમાં રાખીને ? અન્યથા બંને વચ્ચે સંતુલન તો હોવું જ જોઈએ..
પરંતુ અહી વક્રતા તે છે કે, સમગ્ર જમ્મુ-કાશ્મીરની રાજનીતિ પર અત્યાર સુધી આ ૧૬ % ક્ષેત્રની રાજનીતિનો જ દબદબો રહ્યો છે. વધુમાં આ કાશ્મીર ઘાટીમાં કુલ ૧૦ જીલ્લા છે જેમાંથી મુખ્યત્વે ૪ જીલ્લા જ તેવા છે કે, જ્યાં અલગાવવાદીઓ અને આંતકવાદીઓ સક્રિય છે. આ જિલ્લાઓમાં સોપિયા, પુલવામાં , કુલ્ગાવ અને અનંતનાગ છે. અને અગર આ વિસ્તારને છોડી દેવામાં આવે તો સમગ્ર ઘાટી અને જમ્મુમાં ઓલ ઓવર શાંતિ છે.
મતલબ કે આ નાનો ટુકડો જ અશાંતિ ની આગ ફેલાવે છે અને લોકોમાં તેવો ભ્રમ ફેલાવવામાં આવે છે કે, સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાયેલી છે. અને આખુય જમ્મુ-કાશ્મીર ભડકે બળી રહ્યું છે. અન્યથા વાસ્તવમાં પરિસીમન નો આધાર જ જનસંખ્યા હોય છે અને વધુ જનસંખ્યા ધરાવતા વિસ્તારમાં વિધાનસભાની વધુ સીટો હોવી જોઈએ તેમ માનીને જ અત્યાર સુધી પ્રતિનિધત્વ ફાળવવામાં આવ્યું છે. અન્યથા સીમાંકનના ૫ આધારો મુજબ, ક્ષેત્રફળ, જનસંખ્યા, ક્ષેત્રની પ્રકૃતિ, સંચાર સુવિધા, તથા તેના જેવા અન્ય કારણો આવે છે. પરંતુ જમ્મુ-કાશ્મીરમાં આ બાબતોનું ધ્યાન રાખવામાં નથી આવ્યું. નહીતર લદ્દાખનું પ્રતિનિધિત્વ વિધાનસભામાં વધુ માત્રામાં હોવું જોઈએ. અને જો આમ થાય તો ઘણી બધી સમસ્યાઓ આપોઆપ ઉકેલાઈ જાય.
વિશેષમાં હાલ જમ્મુ-કાશ્મીરમાં ૧૧૧ જેટલી વિધાનસભાની સીટો છે. પરંતુ વર્તમાનમાં ૮૭ જેટલી સીટો પર જ ચુંટણી થાય છે. જેમાં પણ ૪૬ સીટો કાશ્મીરની, ૩૭ સીટો જમ્મુ અને માત્ર ૪ સીટો લડાખની હોય છે. તેમજ અન્ય ૨૪ સીટો પાક અધિકૃત કાશ્મીરમાં છે. જ્યાં હાલ ચુંટણી નથી થઇ રહી. ત્યારે બહુ સ્પસ્ટ બાબત છે કે, જે ભૂ ભાગ મોટો છે તેને પ્રતિનિધિત્વ સાવ ઓછું મળી રહ્યું છે. જે કોઈ રીતે ગળે ઉતરે તેવી બાબત નથી.
અને તેથી જ હવે સમય આવી ગયો છે કે, સંવિધાનની રૂહે અને જનસંખ્યા તેમજ ભૂ ભાગને ધ્યાનમાં રાખી ફરી એકવાર એકદમ તટસ્થતા થી પરિસીમન હાથ ધરવામાં આવે તો કાશ્મીર સમસ્યા ઘણે અંશે હળવી બની શકે. વિધાનસભા માં પ્રતિનિધિત્વની રૂહે આતંકીઓ અને અલગાવવાદીઓ પર લગામ કસી શકાય. તેથી હવે કોઇપણ ગણગણાટ સાંભળ્યા વગર આ કદમ ઉઠવ્વામાં આવે. અને ઘાટીના ચાર જીલ્લાઓના નાપાક તત્વો પર લગામ કસવામાં આવે તો ભારત ઘણે અંશે ત્રાસવાદ મુક્ત થઇ શકે..