- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
અમદાવાદઃ લોકસભાની ચૂંટણીઓ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ દરેક રાજકીયપક્ષ મતદારોને આકર્ષવા માટે ચૂંટણી ઢંઢેરામાં લોભામણા વચનો આપી રહ્યાં છે. જેમાં કોંગ્રેસના વડા રાહુલ ગાંધીએ આજે વધુ માસ્ટરસ્ટ્રોક ફટકારતા કહ્યું હતું કે દેશનાં સૌથી 20% ગરીબ પરિવારોને વાર્ષિક 72,000 રૂપિયા આપશે. અંદાજે આ યોજના હેઠળ ભારતની 25 ટકા વસ્તી કે 50 કરોડ ગરીબ કુટુંબોને આવરી લેવાશે. પીએમ મોદીના આકર્ષક શબ્દોનો જેમ રાહુલ ગાંધીએ આ યોજનાને NYAY (ન્યુનત્તમ આય યોજના કે બેઝિક ઇન્કમ સ્કીમ) તરીકે ઓળખાવી છે. પરંતુ શું રાહુલ ગાંધીએ આપેલું આ વચન વાસ્તવિક બની શકે છે? તેનો અમલ થવાની શક્યતા કેટલી? જેવા ઘણા પ્રશ્નો તમારા મનમાં ચાલી રહ્યાં હશે તો ચાલો તેની હકીકત ચકાસીયે...
યોજનાના અમલ માટે જોઇએ આટલા કરોડ રૂપિયા
રાહુલ ગાંધીએ દેશના 5 કરોડ પરિવારનો વાર્ષિક રૂ.72,000 આપવાનું વચન આપ્યું છે જે લેખે દરે વર્ષે રૂ. 3,60,000 કરોડની જરૂર પડશે જે વર્ષ 2019-20ના રૂ. 27,84,200 કરોડના બજેટ ખર્ચના લગભગ 13 ટકા જેટલી રકમ છે અને નરેન્દ્ર મોદીએ વર્ષ 2019-20માં કેન્દ્ર સરકાર દ્વારા સ્પોન્સર્ડ યોજનાઓ માટેના સંપૂર્ણ ખર્ચ કરતા થોડીક વધારે રકમ છે. નોંધનિય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા સ્પોન્સર્ડ મનરેગા, સ્વચ્છ ભારત મિશન, નેશનલ હેલ્થ મિશન અને નેશનલ એજ્યુકેશન મિશન જેવી 29 યોજનાઓ માટે રૂ. 3,27,679.43 કરોડની બજેટરી ફાળવણી કરવામાં આવી છે.
ઉપરાંત રાહુલ ગાંધીની આ નવી યોજના પાછળનો ખર્ચ ભારતની કુલ જીડીપીના બે ટકા બરાબર છે. જેનો મતલબ એ છે કે તેમણે નાણાંકીય શિસસ્તાના માર્ગેથી પાછાં ફરવું પડશે અથવા અન્ય કલ્યાણી યોજના બંધ કરવી પડશે કાં તો અન્ય નાણાંકીય ભંડોળના સ્ત્રોત ઊભા કરવા પડશે. કોંગ્રેસ પાર્ટીએ દાવો કર્યો છે કે તેમણે રાજકોષીય અસરોને પણ ધ્યાનમાં લીધી છે.
હથેળીમાં ચાંદ આપવાનું વચન! નાણાં આવશે ક્યાંથી?
રાહુલ ગાંધીના આ ચૂંટણી વચન અંગે સત્તાધીશ રાજકીય પક્ષ ભાજપના નેતાઓએ પ્રતિક્રિયા આપી છે જેમાં આ વચન વાસ્તવિકતાથી ઘણુ દૂર હોવાનું જણાવ્યું છે. હકીકતમાં કેન્દ્ર સરકાર ખર્ચના કેટલાંક ઘટકોના આ કદ દ્વારા તેમની બજેટરી ફાળવણીમાં વધારો કરશે. ઉદાહરણ તરીકે જોઇએ તો, વર્ષ 2019-20ની માટેનો કુલ પ્રસ્તાવિત ખર્ચ રૂ. 27,84,200 કરોડ છે જે વર્ષ 2018-19ના સુધારેલા અંદાજ કરતા રૂ. 3,26,965 કરોડ કે 13.3 ટકા વધારે છે. એક વખત જીએસટીનો સંપૂર્ણપણે અમલીકરણ થયા બાદ તમામ ફાયદાઓ મળવાના શરૂ થશે ત્યારે આવકમાં નોંધપાત્ર ઉછાળો આવી શકે છે પરંતુ ત્યાં સુધી સરકારે ખર્ચના મામલે ધીમી ગતિએ આગળ વધવું પડશે. તેમણે કેટલીક યોજનાઓ બંધ કરવી પડશે કાં તો બજેટરી ફાળવણી ઘટાડવી પડશે.
જો કોંગ્રેસ સત્તામાં આવે તો તેની માટે આ યોજનાનો અમલ કરવા લોઢાના ચણા ચાવવા સમાન રહેશે. કોંગ્રેસ બાદ હવે ભાજપ પણ આના જેવું કંઇક નવું વચન આપી શકે છે. આમ તો ચૂંટણી પહેલાં જ ભાજપે પોતાની ચાલ રમી લીધી છે. તેણે પીએમ કિસાન યોજના હેઠળ નાના ખેડૂતોને દર વર્ષે રૂ. 6000ની નાણાંકીય સહાય આપવાની શરૂઆત કરી ખેડૂતો મતદારોને રિઝવવા પ્રયાસ કર્યો છે.