- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી : ભારતમાં ખાનગી રોકાણ ધીમું હોવાનો દાવો કોરોના પૂર્વે, કોરોના સમયે અને કોરોના બાદના આ બે વર્ષમાં અનેક વખત નાણામંત્રી અને અનેક ટોચના અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. ખાનગી રોકાણ ધીમું હોવાથી દેશનો સર્વાંગી કે વધુ ઝડપી વિકાસ નથી થઈ રહ્યો હોવાનો તર્ક ફરી એક વખત નાણામંત્રી નિર્મલા સીતારમણે આપ્યો છે.
સ્થાનિક ઈન્ડસ્ટ્રીને રોકાણ માટે ખચકાટ કેમ છે તેવો સવાલ કરવાની સાથે મોદી સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે ઉદ્યોગજગતની તુલના ભગવાન હનુમાન સાથે કરી હતી. તેમણે પૂછ્યું કે ઉદ્યોગો મેન્યુફેક્ચરિંગમાં રોકાણ કરવામાં શા માટે ખચકાય છે, તેમને કઈ બાબતો રોકી રહી છે ?
નાણામંત્રીએ કહ્યું કે સરકારનો ભરપૂર સહયોગ છે, વિદેશી રોકાણકારો ભારતમાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે સ્થાનિક રોકાણકારોમાં નવું મૂડી રોકાણ કરવામાં ખચકાટ જોવા મળી રહી છે.
સીતારમણે કહ્યું, "આ ભારતનો સમય છે... આપણે તક ગુમાવી શકીએ નહીં." સરકાર ઉદ્યોગ સાથે મળીને કામ કરવા ઈચ્છુક છે અને નીતિગત પગલાં લેવા તૈયાર છે. સરકાર પ્રોડ્કશન લિંક્ડ ઈન્સેન્ટીવ યોજના લઈને આવી છે. સમયાંતરે સરકારે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોકાણ માટે ટેક્સના દરમાં ઘટાડો કર્યો છે.
નાણામંત્રીએ કહ્યું કોઈપણ નીતિ કોઈપણ સમતે અંતિમ હોઈ શકતી નથી. જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ તે સતત વિકસિત થતી રહે છે. સમયાંતરે ફેરફાર જરૂરી છે. દેશ-દુનિયાના વિકસિત જ નહિ પરંતુ હજી વિકસતા-ઉભરતા ક્ષેત્રોને પણ આ નિયમ લાગુ પડે છે. આવા વિકાસશીલ સેક્ટરો માટે પણ અમે પ્રોત્સાહનો જાહેર કરી પોલિસી સપોર્ટ આપ્યો છે.
નિર્મલા સીતારમણે કહ્યું, "હું ઉદ્યોગ પાસેથી જાણવા માંગુ છું કે તેઓ શા માટે રોકાણ કરવામાં ખચકાય છે. અમે ઉદ્યોગને અહીં લાવવા અને રોકાણ કરવા માટે બધું જ કરીશું પરંતુ હું ભારતીય ઉદ્યોગ પાસેથી સાંભળવા માંગુ છું કે તમને શું-કોણ અને કેમ રોકી રહ્યું છે."
માઇન્ડમાઇન સમિટમાં તેમણે કહ્યું કે અન્ય દેશો અને તેમના ઉદ્યોગોને ભારતમાં વિશ્વાસ છે. તેઓ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટના માધ્યમથી ભારત તરફ આગળ વધી રહ્યાં છે. FDI, FPIના આંકડા અને શેરબજારની તેજી રોકાણકારોનો વિશ્વાસ દર્શાવે છે.
પ્રાઈવેટ રોકાણમાં નિરસતા મુદ્દે અકળાયેલા નાણામંત્રીએ કહ્યું, શું સ્થાનિક ઉદ્યોગજગત હનુમાન જેવો છે ? તમને તમારી ક્ષમતા, તમારી શક્તિ પર વિશ્વાસ નથી અને કોઈ તમારી બાજુમાં ઉભું છે અને કહે છે કે તમે હનુમાન છો અને તમે આમ કરો ?
તેમણે સવાલોનો મારો ચાલુ રાખ્યો અને પૂછ્યું કોણ છે કયો વ્યક્તિ એવો છે જે હનુમાનને કહેવાનો છે કે તેમનામાં શું તાકાત છે? મારા મતે તે વ્યક્તિ ચોક્કસપણે સરકાર ન હોઈ શકે.